ફારુકીના કાર્યક્રમો યોજાશે તો માઠા પરિણામો ભોગવવા પડશે: બજરંગ દળ
મહેસાણા, બજરંગ દળે ગુજરાતમાં યોજાનાર સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવર ફારુકીના ત્રણ કાર્યક્રમો સામે નારાજગી દર્શાવી છે અને આયોજકોને આ કાર્યક્રમો રદ કરવાની તાકિદ કરતા ચેતવણી આપી છે કે કાર્યક્રમો યોજાશે તો તેમણે તેના માઠા પરિણામો ભોગવવા પડશે.
એક ઓનલાઈન ટિકિટ બૂકીંગ વેબસાઈટના જણાવ્યા અનુસાર મુનવર ફારુકી આગામી મહિને ગુજરાતમાં ત્રણ શો ડોંગરી ટુ નોવેર કરશે. આ કાર્યક્રમો ૧લી ઓકટોબરે સુરતમાં, ત્યાર બાદ અમદાવાદ અને પછી બરોડામાં યોજાશે.
અગાઉ આ વર્ષે ફારુકીને કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેમજ ધાર્મિક ભાવના દુભાવવાના આરોપસર ઈન્દોરમાં અટકમાં લેવાયો હતો. તેને અટકના એક મહિના બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળી હતી. ફારુકી સામે હિંદ રક્ષક સંગઠનના કન્વીનર એકલવ્ય ગૌરની ફરિયાદના આધારે કેસ દાખલ કરાયો હતો.
દરમ્યાન ઉત્તર ગુજરાતના બજરંગ દળના કન્વીનર જ્વલિત મહેતાએ જણાવ્યું કે મુનવર ફારુકી પોતાના કાર્યક્રમોમાં સતત હિન્દુ દેવી દેવતાઓની મશ્કરી કરતો રહ્યો છે. પોતાની કહેવાતી કોમેડી દ્વારા તે હિન્દુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડી રહ્યો છે. હિન્દુ સમાજ તો સહિષ્ણુ છે પણ ફારુકી સહિષ્ણુ નથી. બજરંગ દળને જેવા સાથે તેવા થતા આવડે છે એવી ચેતવણી બજરંગ દળના આગેવાને આપી હતી.HS