ફારુખ અબ્દુલ્લા પાકિસ્તાન જઈને કલમ 370 લાગુ કરે: સંજય રાઉત
મુંબઈ, ભારત સરકારે નજર કેદમાંથી છોડ્યા બાદ ભારત વિરોધી નિવેદનો આપી રહેલા જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લા પર શિવસેના ભડકી છે.
શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ફારુખ અબ્દુલ્લાની ઝાટકણી કાઢતા કહ્યુ છે કે, તેઓ ઈચ્છતા હોય તો પાકિસ્તાન જઈને કલમ 370 લાગુ કરાવી શકે છે.કારણકે ભારતમાં તો હવે આ શક્ય નથી.ભારતમાં તેને કોઈ સ્થાન નથી.
રાઉત આ પહેલા પણ મહેબૂબા મુફ્તી અને ફારુખ અબ્દુલ્લાના નિવેદનો સામે નારાજગી જાહેર કરી ચુક્યા છે.તેમણે અગાઉ કહ્યુ હતુ કે, ફારુખ અબ્દુલ્લા હોય કે મહેબૂબા મુફતી હોય પણ જો કોઈ ભારતના બંધારણને પડકારવા માટે ચીનની મદદ લેવાની વાત કરતુ હોય તો તેને 10 વર્ષ માટે જેલમાં ધકેલી દેવા જોઈએ.
ગઈકાલે ફારુખ અબ્દુલ્લાએ નેશનલ કોન્ફરન્સના કાર્યકરોને સંબોદન કરતા કહ્યુ હતુ કે, જ્યાં સુધી જીવતા છીએ ત્યાં સુધી કલમ 370 લાગુ કરાવવા માટે લડત આપીશું.જે લોકો અમને પાકિસ્તાન જવાની સલાહ આપી રહ્યા છે તેમને કહેવુ છે કે, જો અમારે પાકિસ્તાન સાથે જ જવુ હોત તો 1947માં જ જતા રહ્યા હોત.આ ભારત અમારુ છે, ભારત મહાત્મા ગાંધીનુ છે અને ભાજપનુ નહીં.