ફાર્માસ્યુટિકલ સંલગ્ન વિવિધ સેવાઓ એક જ વેબ પોર્ટલ પર આંગળીના ટેરવે મળશે
ગુજરાત ફાર્માસ્યુટિકલ સેવાઓનો ડિજિટલીકરણ- www.guharatpharmacouncil.org પોર્ટલ લોન્ચ કરતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ
ડીજીટલ ઇન્ડિયા અંતર્ગત કાર્યાન્વિત કરાયેલ આ વેબ પોર્ટલ રાજ્યના દૂર-સુદૂરમા વસતાં ફાર્માસિસ્ટ માટે આશીર્વાદરૂપ બનશે-ઋષિકેશભાઇ પટેલ-શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ની પ્રેરક ઉપસ્થિતિ
ગુજરાત ફાર્માસ્યુટિકલ કાઉન્સિલ સંલગ્ન વિવિધ સેવાઓનું ડિજિટલ કરવા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે www.gujaratpharmacouncil.org પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું.
ગુજરાત ફાર્માસ્યુટિકલ કાઉન્સિલ સંલગ્ન નવું રજિસ્ટ્રેશન,ટ્રાન્સફર ઓફ રજીસ્ટ્રેશન, ગુડ સ્ટેન્ડિંગ સર્ટિફિકેટ,નેમ ચેન્જ, ડીગ્રી એડિશન, એલિજિબિલીટી સર્ટિફિકેટ, જેવી વિવિધ ફાર્મસી સેવાઓનું એકીકરણ કરીને પેપરલેસ તેમજ ક્લાઉડ બેઇઝ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે.
રાજ્યના દૂર-સુદૂર અને અંતરીયાળ ક્ષેત્રોમાં વસતા ફાર્મસિસ્ટને આ પોર્ટલ આશીર્વાદરૂપ સાબિત થશે તેવો આશાવાદ આરોગ્ય મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના ડિજિટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત આ પહેલ હાથ ધરવામાં આવી હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આરોગ્ય મંત્રીએ કહ્યું કે,દવા ના સંશોધન ક્ષેત્રમાં સમયાંતરે પરિવર્તન આવી રહ્યા છે ત્યારે આ નીત નવા પરિવર્તન સંલગ્ન મેડિકલ એજ્યુકેશન ના પણ અભ્યાસક્રમમાં પણ ફેરફાર થાય તે ખૂબ જરૂરી છે. એકવીસમી સદીને જ્ઞાનની સદી જણાવીને મિકેનિકલ થી મેડિકલ સુધી સમય સાથેના સુધારા જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આત્મનિર્ભર ભારત ની પરિકલ્પના ચરિતાર્થ કરવા કોરોના કાળમાં પ્રાયોગિક ધોરણે ગુજરાત ફાર્મસી કાઉન્સિલ દ્વારા ‘જોબ પોર્ટલ’ કાર્યાન્વિત કરવામાં આવ્યું હતું.જેમાં ૨૦૦૦ કરતાં વધારે ફાર્માસિસ્ટ ઓને રોજગારી મળી હતી. આ જોબ પોર્ટલ ને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ના હસ્તે આજે વિધિવત રીતે સાર્વજનિક ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. તેઓએ આ જોબ પોર્ટલ જોબ ગીવર આને જોબ સિકર વચ્ચે સેતુરૂપ ભૂમિકા અદા કરશે તેઓ ભાવ વ્યક્ત કર્યો હતો.
કોરોના ની સંભવીત ત્રીજી લહેર માં ૪૦૦૦ ફાર્માસીસ્ટે સ્વૈચ્છિક રીતે જોડાઈને સેવાના યજ્ઞમાં પોતાનો યોગદાન આપવા માટે દર્શાવેલી તૈયારીને આરોગ્ય મંત્રીશ્રીએ બિરદાવી હતી.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. એન આર શેઠ, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી, ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ ના રજિસ્ટ્રાર છે.એચ. ચૌધરી સહિતના પદાધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા. -અમિતસિંહ ચૌહાણ