ફિક્સ પગાર નીતિ અંતર્ગત નોકરી કરી રહેલા કર્મચારીઓની સેવાઓ સળંગ ગણાશે:જીતુભાઈ વાઘાણી
રાજ્ય સરકારનો કર્મચારી હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય
હવે વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણાશે : પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
નાણાં વિભાગના વર્ષ ૨૦૧૭ના ઠરાવ અંતર્ગત આ કર્મચારીઓને પણ મળશે તમામ લાભો : અંદાજે ૪૨ હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે
પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર અધિકારી – કર્મચારીઓના હિત માટે અનેક નિર્ણયો લઈ રહી છે ત્યારે આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં વધુ એક કર્મચારી હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ફિક્સ પગાર નીતિ અંતર્ગત નોકરી કરી રહેલા કર્મચારીઓની નોકરીની સેવાઓ સળંગ ગણવા અંગે નાણાં વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૭માં ઠરાવ કરવામાં આવ્યો હતો.
જેમાં વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારમાં નોકરી કરતા કર્મચારીઓને લાભ મળતો ન હતો. હવે વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણવા નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રી શ્રી વાઘાણીએ ઉમેર્યું કે, રાજ્યમાં વર્ષ-૨૦૦૬ પહેલા ફિકસ પગારની નિતી અન્વયે નિમણુંક પામેલા કર્મચારીઓની ફિકસ પગારની પાંચ વર્ષની સેવા હવે સળંગ ગણવામાં આવશે.
આ નિર્ણય અંતર્ગત નાણાં વિભાગના તા. ૧૮/૧/૨૦૧૭ ના ઠરાવ મુજબ દર્શાવેલ બઢતી તેમજ ઉચ્ચત્તર પગાર ધોરણ સહિતના લાભો ગણતરીમાં લેવામાં આવશે. આ નિર્ણયથી અંદાજે ૪૨,૦૦૦ થી વધુ વર્ષ-૨૦૦૬ પહેલા નિમણુક પામેલા કર્મચારીઓને લાભ થશે. હવે આ કર્મચારીઓની પણ ફિકસ પગારની પાંચ વર્ષની સેવા, બઢતી ઉચ્ચત્તર પગાર ધોરણ જેવા લાભો ગણતરીમાં લેવાશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ નિર્ણયથી ૫૭૬ પંચાયત સહાયક/ તલાટી, ૧,૦૧૯ રહેમ રાહે નિમણુંક પામેલા કર્મચારીઓ, ૩૩૧ સ્ટાફ નર્સ, ૨૪૦૦ લોક રક્ષક અને ૩૮,૨૮૫ શિક્ષકો મળી કુલ ૪૨,૦૩૫ કર્મચારીઓને લાભ થશે.