ફિટ ઇન્ડિયા, ફિટ લીમખેડા – રૂ. ૨૨.૫૦ લાખના એડવાન્સ જીમનું લીમખેડામાં લોકાર્પણ

દાહોદ: લીમખેડા તાલુકાની જુની મામલતદાર કચેરી ખાતે અત્યાધુનિક સાધનોથી સજ્જ રૂ. ૨૨.૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલું તાલુકા જીમ સેન્ટરનું જિલ્લાના સાંસદશ્રી જસવંતસિંહ ભાભોરે આજે ઉદ્ધાટન કર્યું હતું. આ તાલુકા જીમ સેન્ટરમાં ૧૦૦ થી પણ વધુ શારીરિક કસરત માટેના આધુનિક સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
જીમ સેન્ટરના ઉદ્ધાટન પ્રસંગે સાંસદ શ્રી ભાભોરે જણાવ્યું કે, ‘તાલુકાના યુવાનો માટે શારીરિક સજ્જતા કેળવવા માટે આ જીમ સેન્ટર અતિ ઉપયોગી થઇ રહેશે. શરીરને સ્વસ્થ રાખવા માટે નિયમિત કસરત કરવી ખૂબ જરૂરી છે. આ જીમ સેન્ટરનો નજીવી ફીમાં યુવાનો ઉપયોગ કરી શકશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ‘ફીટ ઇન્ડીયા મુવમેન્ટ’ શરૂ કરવામાં આવી છે ત્યારે લીમખેડાના યુવાનો માટે જીમસેન્ટર ફીટ રહેવા માટેનું આગવું સ્થાન બની રહેશે.’
આ જીમ સેન્ટરમાં અત્યાધુનિક સાધનો જેવા કે મોટરાઇઝડ ટ્રેડમિલ, મલ્ટી એડજેસ્ટેબલ બેંચ, બેલ્ટ લાઇબ્રેટર, એરોબિક સાઇકલ, સિટેડ લેગ પ્રેશ, ડંબેલ્સ, મલ્ટી પ્રેશ મશીન, મલ્ટી જીમ ફોરસ્ટેશન વગેરે ૧૦૦ થી પણ વધુ સાધનો ઉપલબ્ધ છે. આ જીમ સેન્ટર સવારે ૭ થી ૯ અને સાંજે ૪ થી ૭.૩૦ સુધી ચાલુ રહેશે. મહિલાઓ સાંજે ૪ થી ૫ વાગ્યે પણ આ જીમ સેન્ટરનો ઉપયોગ કરી શકશે. પુરૂષો માટે માસિક રૂ. ૨૦૦ અને મહિલાઓ માટે માસિક રૂ. ૧૦૦ ની ફી રાખવામાં આવી છે. સિનિયર સિટીઝન ફક્ત રૂ. ૫૦ ચુકવીને આ જીમ સેન્ટરનો લાભ લઇ શકશે. જીમમાં અનુભવી જીમટ્રેનર સંજયકુમાર ગુર્જર ટ્રેનીંગ આપશે.
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળના કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર અને જિલ્લા વહિવટી તંત્ર, દાહોદ સંચાલિત તાલુકા જીમ સેન્ટર, લીમખેડાના યુવાનો માટે ફીટનેસ માટેનું આગવું સ્થાન બની રહેશે. આ પ્રસંગે લીમખેડાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ ભાભોર, લીમખેડા પ્રાંત અધિકારી શ્રી ડી. કે. હડિયલ, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી વિરલ ચૌધરી સહિતના અધિકારીશ્રીઓ, તાલુકાના અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.