ફિરોઝાબાદમાં વાઈરલ ફીવરનો કહેરઃ ૧ર હજારથી વધુ કેસ, ૧૧૪નાં મોત
છેલ્લા બે દિવસમાં ૧પનાં મોતઃ બાળકો તાવમાં સપડાયા
લખનૌ, અત્યારે ઘરે-ઘરે ડેન્ગ્યુ, મેલેરિયા અને વાઈરલ ફીવરના કેસ જાેવા મળી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં આ બીમારીઓનો કહેર વધુ જાેવા મળી રહ્યો છે. ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદાં વાઈરલ ફીવરના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ફિરોઝાબાદમાં ૧ર,૦૦૦થી વધુ વાઈરલ ફીવરના કેસ સામે આવ્યા છે.
યુપી આરોગ્ય વિભાગ અનુસાર છેલ્લા ર૪ કલાકમાં ફિરોઝાબાદમાં ચાર લોકોના મૃત્યુ થતાં મૃત્યુઆંક ૧૧૪ થયો છે. જેમાં ૮૮ બાળકનો પણ સમાવેશ થાય છે. બીમારીઓને ફેલાતી રોકવા માટે ફોગિંગ કરવામાં આવી રહ્યું છે, તેમ છતાં મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અહીં ૧પ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકો ડેન્ગ્યુ અને વાઈરલ ફીવરનો શિકાર થઈ રહ્યા છે.
ફિરોઝાબાદમાં રસ્તાઓ પર ગંદકી જાેવા મળી રહી છે અને પાણી ભરાઈ ગયા છે. આ પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. શાળાઓ શરૂ થવાને કારણે બાળકો પાણી ભરેલા રસ્તાઓ પરથી પસાર થવા માટે મજબુર થયા છે. સનકસિંહે જણાવ્યું કે, ગામમાં બીમારી ફેલાઈ રહી છે. પરંતુ વ્યવસ્થામાં સુધાર નથી થઈ રહ્યો.
ફિરોઝાબાદમાં છેલ્લા બે દિવસમાં ૧પ લોકોના મૃત્યુ થયા છે. દર્દીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, ડેન્ગ્યુના વોર્ડમાં દર્દીનો યોગ્ય ઈલાજ થઈ રહ્યો નથી.
રવિવારે ઈલાજ ન મળવાને કારણે મજૂર વીરપાલના પુત્રનું મૃત્યુ થયું છે. વીરપાલે જણાવ્યું કે, ખાનગી હોસ્પિટલે ઈલાજ માટે એડવાન્સ રૂ.૩૦,૦૦૦ની માંગ કરી હતી. મેં હોસ્પિટલ પાસે પૈસાની વ્યવસ્થા કરવા માટે થોડો સમય માગ્યો હતો, પરંતુ તેણે મને ના પાડી દીધી.
ત્યારબાદ ફિરોઝાબાદ મેડિકલ કોલેજમાં બેડ ન હોવાને કારણે મેડિકલ સ્ટાફે મારા બાળકને દાખલ કરવાની ના પાડી દીધી. ત્યારબાદ બાળકને આગ્રા લઈ જવા માટે મેં ખાનગી ટેકસીની વ્યવસ્થા કરી, પરંતુ મારા બાળકનું રસ્તામાં જ મૃત્યુ થઈ ગયું.
રાજકીય મેડિકલ કોલેજના આચાર્ય ડો. સંગીતા અનેજાએ જણાવ્યું કે,
હાલ હોસ્પિટલમાં ૪ર૯ દર્દીને દાખલ કરવામાં આવ્યા છે. દર્દીઓનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. બાળકોમાં જલદી રિકવરી જાેવા મળી રહી છે. જે બાળકોની સ્થિતિ ગંભીર છે તેમને પ્લેટલેટ્સ ચઢાવવામાં આવી રહ્યા છે. (એન.આર.)