ફિલ્મને હિટ સાબિત કરવા બોક્સઓફિસના ખોટા આંકડા કહેતાં લોકોથી ચોપરા નારાજ
હું મારી જાતને બધાં જ કચરાથી બચાવવા માગું છું: વિધુ
‘ઝીરો સે સ્ટાર્ટ’ જોવા બહુ ઓછા લોકો ગયા તેવું કહેવામાં વિધુ વિનોદ ચોપરાને વાંધો નથી
મુંબઈ,
વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ’૧૨વીં ફેઇલ’ એવી ફિલ્મ હતી, જેની હજુ પણ ચર્ચા થાય છે. હવે તેમણે એક નવી ફિલ્મ રિલીઝ કરી છે, ‘ઝીરો સે રિસ્ટાર્ટ’. આ ફિલ્મ થિએટરમાં રિલીઝ થઈ હોવા છતાં તેને ખાસ પ્રતિસાદ મળ્યો નથી કે કોઈના ધ્યાનમાં પણ આવી નથી. ચોપરાને તેમની ફિલ્મ નિષ્ફળ ગઈ છે, તેવું સ્વીકારવામાં કોઈ વાંધો નથી. પરંતુ તેમને પોતાની બોક્સ ઓફિસનાં આંકડાઓ અંગે ખોટું બોલતાં લોકો સાથે ગંભીર વાંધો છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં તેમણે ખોટા આંકડાઓ જાહેર કરવાની ઇન્ડસ્ટ્રીના લોકોની આદતની ટીકા કરી છે. તેમણે જણાવ્યું,“આજકાલ માર્કેટિંગમાં બધું જ જૂઠાણું હોય છે. એ લોકો ઇન્ફ્લ્યુએન્સર્સને પોતે જે ઇચ્છે તે બોલાવવાના પૈસા આપે છે.
બધું જ ખોટું. પછી એમના શો ખાલી જતા હોય છે, એટલે લોકો જાતે જ પોતાની જ ટિકિટ ખરીદે પછી બોક્સ ઓફિસની કમાણીઓ વિશે ખોટી વાતો કરે છે. હું ખરેખર કબૂલ કરવા માગું છું કે, મારી ફિલ્મ હમણા રિલીઝ થઈ છે અને બહુ ઓછા લોકો જોવા આવ્યાં છે. ” વિધુ વિનોદ ચોપરાએ આગળ જણાવ્યું,“મારી દિકરી સ્ટેનફર્ડમાં ભણે છે. હું સવારે ઉઠ્યો અને એક ગીત ગાતો હતો. મેં એને કોલ કર્યાે અને કહ્યું, “ફિલ્મ જોવા માટે કોઈ ગયું જ નહીં.” એણે કહ્યું, “તમે,હું તમારી દયા ખાઉં એવું ઇચ્છો છો કે પછી તમે જે કહો છો એમાંથી પ્રેરણા લઉં?” મેં કહ્યું,“હું ઇચ્છું છું કે તું પ્રેરણા લે.”વિધુએ કહ્યું,“હું બહુ બહાર જતો નથી. હું એવોર્ડ લેવા પણ જતો નથી. હું મારી જાતને બધાં જ કચરાથી બચાવવા માગું છું. આપણે બધાં જ શુદ્ધ જન્મ્યા હોઇએ છીએ અને સમયાંતરે, સમય સાથે, આપણે અશુદ્ધ થઈ જઇએ છીએ. મારે એ ટાળવું છે.”ss1