Western Times News

Gujarati News

ફિલ્મોના શૂટિંગને મંજૂરી ન આપવા રહિશોની રજૂઆત

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ, શહેરના કોટ વિસ્તારમાં આવેલી ઢાળની પોળ છેલ્લાં કેટલાંક વર્ષોથી ફિલ્મમેકર્સ માટે પસંદગીનું લૉકેશન રહી છે પણ હવે હેરિટેજ વારસો ધરાવતી ઢાળની પોળના રહેવાસીઓ પોતાની પોળમાં શૂટિંગ થાય તેવું નથી ઈચ્છતા જેનું કારણ છે શૂટિંગ વેળાએ ત્યાં સર્જાતી અવ્યવસ્થા.

પોળનો હેરિટેજ વારસો, ત્યાંની સાંકડી અને વ્યસ્ત શેરીઓ અત્યારના ફિલ્મમેકર્સને ખૂબ આકર્ષે છે. ઘણી ગુજરાતી અને હિન્દી ફિલ્મ્સનું શૂટિંગ આ પોળમાં થયું છે કે જેમાં ૨૦૧૯માં આવેલી ફિલ્મ ‘પીએમનરેન્દ્ર મોદી’ પણ સામેલ છે. ફિલ્મના માધ્યમથી આ પોળ આજે વૈશ્વિકસ્તરે પ્રખ્યાત છે.

ત્યારે હવે અમદાવાદની ઢાળની પોળના રહેવાસીઓના એક ગ્રુપે કહ્યું કે પોળમાં થતાં ફિલ્મ શૂટિંગના કારણે ટ્રાફિક જામ સર્જાય છે અને નશાની હાલતમાં ફરતા કેટલાંક ફિલ્મ ક્રૂ મેમ્બર્સ પોળનું વાતાવરણ ખરાબ કરે છે. ત્યારે ફિલ્મમેકર્સે ઢાળની પોળના રહેવાસીઓના ગ્રુપ દ્વારા કરાયેલા આક્ષેપો નકારતા કહ્યું કે અમે હવે ઢાળની પોળમાં નહીં પણ બીજી જગ્યાએ શૂટિંગ કરીશું.

ઢાળની પોળના ૬૭ રહેવાસીઓએ અમદાવાદ પોલીસ કમિશનરને સહી કરેલી અરજી આપતા એવી માગ કરી છે કે પોળમાં થતાં ફિલ્મ, સિરિયલ, જાહેરાતના શૂટિંગની પરવાનગીને તાત્કાલિક અસરથી નકારવામાં આવે. અરજીમાં ઢાળની પોળના રહેવાસીઓએ એવું પણ લખ્યું છે કે જાે શૂટિંગ ચાલુ રહેશે તો તેઓ આંદોલન કરશે.

અરજી કરનાર ઢાળની પોળના એક રહેવાસીએ જણાવ્યું કે અહીં શૂટિંગ કરવા માટે આવતા ફિલ્મની ટીમના સભ્યો પરવાનગી માટેના નિયમોનો ભંગ કરે છે અને તેમના કારણે ટ્રાફિક સર્જાય છે.

પોળના રહેવાસીઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ બાબતે વારંવાર ફરિયાદ કરી છે. તેમ છતાં, કમિશનર ઓફિસે આ બાબતે રહેવાસીઓને મત જાણ્યા વિના પરવાનગી આપી છે.

ઢાળની પોળ તરફથી કરાયેલી અરજીમાં જણાવાયું છે કે જ્યારે રહેવાસીઓ કોઈ ફરિયાદ કરે ત્યારે શૂટિંગના ક્રૂ મેમ્બર્સ અને ત્યાં હાજર બાઉન્સર્સ ખરાબ વર્તન કરે છે તેમજ ધમકી આપે છે.

શૂટિંગના ક્રૂ મેમ્બર્સ ખુલ્લેઆમ નશો કરે છે જે અમારા બાળકોને બગાડે છે તેમજ પોળની સંસ્કૃતિ-પરંપરા માટે હાનિકારક છે. પરંતુ, ફિલ્મમેકર્સ આ ફરિયાદો નકારી રહ્યા છે. એક્ઝિક્યુટિવ ફિલ્મ પ્રોડ્યુસર દિલીપ દવેના જણાવ્યા મુજબ, ફિલ્મના માધ્યમથી પોળને વૈશ્વિકસ્તરે ખ્યાતિ પ્રાપ્ત થઈ છે.

ગુજરાતી ફિલ્મ્સ જેવી કે ‘થઈ જશે’ અને ‘મોન્ટુની બિટ્ટુ’નું ઘણું ખરું શૂટિંગ ઢાળની પોળમાં થયું છે. પરવાનગી સાથે ફિલ્મનું શૂટિંગ થાય છે અને ફિલ્મની ટીમના સભ્યો દ્વારા કોઈ કનડગત થતી નથી. પોળ જાહેર જગ્યા છે અને પરવાનગી સાથે ત્યાં શૂટિંગ કરવાનો અમારો અધિકાર છે.

દિલીપ દવેએ વધુમાં જણાવ્યું કે ફિલ્મમેકર્સ પોલીસ પાસેથી પરવાનગી લઈ અને પોળના લોકોને વિશ્વાસમાં રાખીને શૂટિંગ કરે છે. પોળના જે-તે ઘરમાં શૂટિંગ થવાનું હોય તેના માલિકને ભાડું ચૂકવાય છે. કેટલાંક ફિલ્મમેકર્સ પોળના ગ્રુપને પણ પૈસા આપે છે. ફિલ્મ શૂટ્‌સ માટે સરકાર હેરિટેજ સાઈટ્‌સને પ્રમોટ કરી રહી છે.

પરંતુ, કેટલાંક અસંતુષ્ટ લોકો ખોટો મુદ્દો ઉછાળી રહ્યા છે. હિટ મૂવી ‘પાસપોર્ટ’થી જાણીતા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ડિરેક્ટર રાજેશ શર્માએ કહ્યું કે પોળમાં જગ્યા સાંકડી હોય છે જ્યારે ફિલ્મની ટીમ પાસે મોટા વાહનો હોય છે. જેથી થોડા સમય માટે કદાચ ટ્રાફિકની સમસ્યા સર્જાય પરંતુ, પ્રોડક્શન મેનેજર્સ કુશળતાપૂર્વક આ સમસ્યાનો જલદી ઉકેલ લાવતા હોય છે.

અહીં નોંધનીય છે કે યુવા ફિલ્મ ડિરેક્ટર સર રાજેશ શર્માએ પોતાની ગુજરાતી ફિલ્મ ‘પાસપોર્ટ’નું શૂટિંગ ઢાળની પોળમાં કર્યું હતું. આ વિશે વાત કરતા લાઈન પ્રોડ્યુસર સંદીપ રાવલ જણાવે છે કે માત્ર થોડા લોકો ફરિયાદ કરતા હોય છે જ્યારે અન્ય રહેવાસીઓને ફિલ્મ શૂટિંગથી કોઈ વાંધો નથી.

શૂટિંગ દરમિયાન અમે તમામ નિયમનું પાલન કરતા હોવા છતાં જાે તેઓ સમસ્યા ઊભી કરશે તો અમે ઢાળની પોળમાં શૂટિંગ કરવાનું કેન્સલ કરીશું કારણકે અમદાવાદ અને આસપાસ ઘણી પોળો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.