ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભાગલા પડી ગયા હોવાનું સંજય દત્તે સ્વીકાર્યું

છેલ્લા ઘણા વર્ષાેથી મોટી ફિલ્મો હિટ થઈ રહી નથી
‘થોડા ભટકી ગયા છે, હું ઈન્ડસ્ટ્રીને ફરીથી એક પરિવાર તરીકે સાથે રહેવા વિનંતી કરું છું’
મુંબઈ,
છેલ્લા ઘણા વર્ષાેથી મોટી ફિલ્મો હિટ થઈ રહી નથી. મોટા સ્ટાર્સની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી અને ઘણી ફિલ્મો થોડા દિવસોમાં જ થિયેટરમાંથી દૂર કરવામાં આવી રહી છે. હવે આ મુદ્દે સંજય દત્તે પણ સ્વીકાર્યું છે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રી હવે સાથે નથી, તેના ભાગલા પડી ગયા છે.હાલ સંજય દત્ત તેની લેટેસ્ટ એક્શન કોમેડી ફિલ્મ ‘ધ ભૂતની’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ‘ભૂતની’ના નવા ગીત ‘આયે રે બાબા’ના લોન્ચ ઇવેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર બધાનુ ધ્યાન ખેંચી રહ્યો છે. જેમાં સંજયે પ્રેક્ષકો સામે પોતાનું દુઃખ શેર કર્યું હતું. તેણે કહ્યું હતું કે ‘દુઃખ થાય છે કે, ઈન્ડસ્ટ્રીના આવી રીતે ભાગલા પડી ગયા છે.
જે મેં પહેલા ક્યારેય જોયું નહોતું. આપણે એક પરિવાર હતા અને હંમેશા રહીશું, થોડા ભટકી ગયા છીએ. હું આટલું જ કહેવા માંગુ છું કે, ઈન્ડસ્ટ્રી માટે દરેક ફિલ્મ મહત્વની હોય છે અને દરેક ફિલ્મને તે મોકો મળવો જોઈએ.’બાબાએ વધુમાં ઉમેર્યું કે, ‘ભૂતની’એ કદાચ વધારે પ્રસિદ્ધિ ન મેળવી હોય, પણ મને લાગે છે કે ફિલ્મ સારી ચાલશે. હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ફરીથી એક પરિવાર તરીકે સાથે રહેવા વિનંતી કરું છું. ચાલો એકબીજાને મદદ કરીએ જેથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો વિકાસ થાય.’ ફિલ્મ ‘ધ ભૂતની’ એક હોરર ડ્રામા ફિલ્મ છે, જેમાં સંજય દત્ત, પલક તિવારી, સની સિંહ, મૌની રોય અને આસિફ ખાન જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. સિદ્ધાંત સચદેવ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ૧ મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.ss1