ફિલ્મ જોવા ગયેલા પતિ-પત્ની વચ્ચે મારામારી
પત્નિએ પતિની સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
અમદાવાદ, શહેરના એસજી હાઈવે પર ફિલ્મ જોવા ગયેલા પતિ-પત્ની વચ્ચે મારામારીનો બનાવ બનતાં સમગ્ર મામલો પોલીસમથક સુધી પહોંચ્યો હતો. પત્નીના મોબાઈલમાં પતિએ અન્ય પુરુષ સાથે વાતચીતની ચેટ જોઈ લેતા પતિ ગુસ્સે ભરાયો હતો અને થિયેટરમાંથી બહાર રોડ પર લઇ જઇ બોલાચાલી કરી પત્નીને સડાસડ ચાર લાફા મારી દીધા હતા. જેથી યુવતીને ચક્કર આવી ગયા હતા.
આ મામલે રોષે ભરાયેલી પત્નીએ પતિ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય યુવતીએ બોડકદેવમાં રહેતા યુવક સાથે પ્રેમલગ્ન કર્યા છે. યુવતીનો અભ્યાસ ચાલુ હોવાથી તેના માતા-પિતાના ઘરે રહેતી હતી.
સોમવારે સાંજે પતિ-પત્ની એસજી હાઈવે પર સફલ મોન્ડિલ રિટેલ પાર્કમાં આવેલા મલ્ટીપ્લેક્સમાં મુવી જોવા માટે ગયા હતા. ઇન્ટરવેલમાં યુવતી વોશરૂમ ગઈ હતી ત્યારે તેનો ફોન તેના પતિને આપીને ગઇ હતી. પતિએ તેની વોટ્સએપ ચેટ ચેક કરતા યુવતીના જૂના મિત્ર સાથેની ચેટ જોઇ ગયો હતો. યુવતી પરત આવતા તેને થિયેટરની બહાર લઇ જઇ ચેટ બતાવી અને આ કોણ છે અને તું આની સાથે કેમ વાત કરે છે તેમ કહીં ઉશ્કેરાયો હતો.
પત્નીને ગાળાગાળી કરી ચાર લાફા મારી દીધા હતા જેથી યુવતીને ચક્કર આવ્યા હતા અને લોકો ભેગા થઇ ગયા હતા. યુવતીને છોડી તેનો પતિ ત્યાથી જતો રહ્યો હતો. યુવતી રિક્ષા કરીને ઘરે જતી રહી હતી. તેણે પરિવાર સમગ્ર બાબત વિશે જણાવ્યું અને ત્યારબાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પતિ સામે એફઆઇઆર નોંધાવી હતી. જેથી પોલીસે હવે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.