ફિલ્મ No Time to Die બ્રિટન-ભારતમાં રિલિઝ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/No-Time-1024x569.jpg)
મુંબઈ, જેમ્સ બોન્ડ સિરિઝની ૨૫મી ફિલ્મ નો No Time to Die બ્રિટન અને ભારતમાં ૩૦મી સપ્ટેમ્બરે રિલિઝ થશે. લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં તેનું ભવ્ય પ્રિમિયર યોજાયું હતું. તેમાં બોન્ડ ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારો, બ્રિટશ રોયલ પરિવાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બ્રિટિશ જાસૂસી સંસ્થા એમઆઈ-૬ના સુપર સ્પાય જેમ્સ બોન્ડનો રોલ અભિનેતા ડેનિયલ ક્રેગે કર્યો છે.
બોન્ડ તરીકે ક્રેગની આ પાંચમી ફિલ્મ છે. રતુમડા કોટમાં ડેનિયલ ક્રેગે પ્રિમયિરમાં હાજરી આપી હતી. બોન્ડ તરીકે નિવૃત્તિ અંગે ક્રેગે કહ્યું હતું કે પાંચ વખત બોન્ડ બન્યાનો સંતોષ છે, હવે કંઈક નવું કરીશું.
નો ટાઈમ ટુ ડાઈના પ્રિમિયર વખતે રોયલ આલ્બર્ટ હોલની બહાર રેડ કાર્પેટ પથરાઈ હતી. સંગીતમય બેન્ડ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. બેન્ડ માટે ખાસ બ્રિટિશ નૌકાદળની ટીમ ઉપસ્થિત રહી હતી, કેમ કે બોન્ડ મૂળભૂત રીતે બ્રિટિશ નૌકાદળનો કમાન્ડર હતો. એમાંથી જાસૂસ બન્યો હતો.
ક્યુબન-સ્પેનિશ એક્ટ્રેસ અના આર્મ્સ કાસોએ આ ફિલ્મમાં બોન્ડની સહાયક સીઆઈએની જાસૂસનો રોલ કર્યો છે. પ્રિમિયરમાં એ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ અભિનેત્રીને ખુદ ડેનિયલ ક્રેગે રોલ માટે પસંદ કરી હતી. જેમ્સ બોન્ડ આમ તો અનેક કાર વાપરે છે, પણ એસ્ટોન માર્ટીન બોન્ડની ઓળખ બની ચૂકી છે. એ કારને પણ પ્રિમિયરમાં હાજર રખાઈ હતી.
પ્રિમિયર લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં યોજાયુ હતું. આ હોલ લંડન જ નહીં સમગ્ર બ્રિટનની ઓળખ બનેલો વિશાળ ખંડ છે. સવા પાંચ હજાર લોકોને એક સાથે બેસાડી શકતા હોલને બોન્ડ ફિલ્મ માટે ખાસ ડેકોરેટ કરાયો હતો.
અગાઉની બોન્ડ ફિલ્મોમાં જેમ્સ બોન્ડના બોસ (સાંકેતિક નામ-એમ)નો રોલ જાજરમાન અભિનેત્રી જૂડી ડેન્ચે કર્યા હતા. હવે તેઓ નિવૃત્ત થયા છે અને રાલ્ફ ફિનિએસ એમનો રોલ કરે છે. રામી મલેક અને બેન વિશો પણ હાજર રહ્યા હતા. ઘણા સમયથી આ ફિલ્મની રાહ જાેવાતી હતી.
બ્રિટનમાં થિએટર-સિનેમાની ચેઈન ધરાવતી કંપની Odeon and Cineworldએ કહ્યું હતું કે તેની પોણા બે લાખ એડવાન્સ ટિકિટ વેચાઈ ચૂકી છે. બ્રિટિશ રોયલ પરિવારે ખાસ હાજરી આપી હતી, કેમ કે જેમ્સ બોન્ડ કાલ્પનિક જાસૂસ હોવા છતાં સમગ્ર જગતમાં બ્રિટનની ઓળખ બની ચૂક્યો છે. પ્રિન્સ વિલિયમ્સ, પ્રિન્સ ફિલિપ, ડચેસ ઓફ કેમ્બ્રિજ કેટ મિડલટન વગેરે સભ્યો હાજર રહ્યા હતા અને ફિલ્મ કલાકારો સાથે સમય પસાર કર્યો હતો.SSS