ફી માફીમાં કોઈ રાહત ન મળતા વાલીઓમાં રોષ
અમદાવાદ, ગુજરાતમાં ૨૫ ટકા ફી માફી આપવાનો પરિપત્ર ન કરવામાં આવતા મોટાભાગની સ્કૂલોએ પૂરી ફી વસૂલી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ૨૫ ટકા ફી માફીનો અમલ ચાલુ રાખવાની જાહેરાત કરાયા બાદ હજુ સુધી સત્તાવાર રીતે ફી માફી અંગેનો પરિપત્ર કરવામાં આવ્યો ન હોવાથી વાલીઓને ચાલુ વર્ષની પૂરેપૂરી ફી ભરવાનો વારો આવ્યો છે.
મોટાભાગની શાળાઓએ વાલીઓ પાસેથી ચાલુ વર્ષની પૂરી ફી ઉઘરાવી લીધી છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ટ્યૂશન ફીમાં ૨૫ ટકા રાહત આપવાની જાહેરાત કરી હતી. ઉપરાંત આ સિવાયની અન્ય કોઈ પણ પ્રકારની ફી વાલીઓ પાસેથી શાળા ઉઘરાવી શકશે નહીં તેમ પણ જણાવ્યું હતું. જેના પગલે શાળાઓએ વાલીઓને ફીમાં ૨૫ ટકા રાહત આપી હતી. જાે કે, તે પહેલા સ્કૂલ સંચાલકો કોર્ટ સુધી ગયા હતા.
દરમિયાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યા સુધી ૨૫ ટકા ફી માફીનો અમલ ચાલુ રહેશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ આ જાહેરાતના થોડા સમય બાદ જ રાજ્યમાં નવા મંત્રીમંડળનું ગઠન થયું હતું અને શિક્ષણમંત્રી તરીકે જીતુ વાઘાણીની આવ્યા. તેમના આગમન બાદ પણ ૨૫ ટકા ફી માફીને લઈને અનેક રજૂઆતો કરવામાં આવી હતી.
પરંતુ આ જાહેરાત બાદ પણ સત્તાવાર રીતે ૨૫ ટકા ફી માફી અંગેનો પરિપત્ર હજુ સુધી કરવામાં આવ્યો નથી. જેથી શાળાઓએ પોતાની ફી ઉધરાવવાનું શરૂ કરી દીધું હતું અને મોટાભાગની શાળાઓએ પૂરેપૂરી ફી વસૂલી લીધી હોવાનું જાણવા મળ્યું છે.SSS