Western Times News

Gujarati News

ફુગાવાના દરમાં થોડો ઘટાડો થયો હોવા છતાં ખાદ્ય ફુગાવો હજી પણ નિયંત્રણમાં આવ્યો નથી

દાળના ભાવને અંકુશમાં લેવા સરકાર કરી રહી છે અનેક સ્તરે પ્રયાસો-પુરવઠા કરતા વધી રહી છે માંગ

(એજન્સી)નવી દિલ્હી, એપ્રિલમાં છૂટક ફુગાવાના દરમાં થોડો ઘટાડો થયો હોવા છતાં ખાદ્ય ફુગાવો હજી પણ નિયંત્રણમાં આવ્યો નથી. આવી સ્થિતિમાં લોકોને ખાદ્ય ચીજવસ્તુઓ પર વધુ ખર્ચ કરવા મજબુર બન્યા છે, જેના કારણે તેમના રસોડાના બજેટ પર ભારે બોજ પડી રહ્યો છે. પરંતુ ખાદ્ય ચીજવસ્તુઓની આ મોંઘવારી ભવિષ્યમાં પણ લોકોની મુશ્કેલી ઓછી થવા દેશે નહીં.

ખાસ કરીને આગામી ૫ મહિના સુધી કઠોળના ભાવમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી કારણ કે કઠોળની માંગ અને પુરવઠા વચ્ચે મોટો તફાવત છે. ઊંચી માંગ અને ઓછા પુરવઠાની અસર તેમના ઊંચા ભાવના સ્વરૂપમાં જોવા મળી રહી છે.જ્યાં સુધી નવા પાકનો પુરવઠો બજારમાં ન આવે ત્યાં સુધી દેશમાં કઠોળના ભાવમાં ઘટાડો થવાની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી.

વાસ્તવમાં કઠોળનો નવો પુરવઠો ઓક્ટોબરમાં બજારમાં આવશે. આવી સ્થિતિમાં, અનુમાન લગાવવામાં આવે છે કે આ પછી જ લોકોને મોંઘવારીમાંથી રાહત મળી શકે છે. હાલમાં વધુ માંગ અને ઓછા પુરવઠાને કારણે કઠોળના ભાવ વધી રહ્યા છે. દાળના ભાવમાં વધારાને કારણે ખાદ્યપદાર્થોની મોંઘવારી પણ અંકુશમાં નથી આવી રહી જેના કારણે છૂટક મોંઘવારી જોઈએ તેટલી ઘટી રહી નથી.

આના કારણે આરબીઆઈ પાસે હજુ પણ રેપો રેટ જેવા મુખ્ય ધિરાણ દર ઘટાડવાનો અવકાશ નથી, જેના કારણે હોમ લોન સહિત તમામ પ્રકારની લોનના વ્યાજદરમાં ઘટાડો કરવાની સ્થિતિ સર્જાઈ રહી નથી. જો કે સરકાર દાળના ભાવને અંકુશમાં લેવા માટે અનેક સ્તરે પ્રયાસો કરી રહી છે, પરંતુ તેમાં સફળતા મળી રહી નથી. ભારત કઠોળનું સૌથી મોટું ઉત્પાદક છે, પરંતુ અહીં તેનો વપરાશ ઉત્પાદન કરતાં ઘણો વધારે છે.

આવી સ્થિતિમાં ભારતે કઠોળની માંગને પહોંચી વળવા આયાતનો આશરો લેવો પડે છે. પાક વર્ષ ૨૦૨૨-૨૩માં દેશમાં કઠોળનું અંદાજિત ઉત્પાદન ૨૬.૦૫ મિલિયન ટન હતું, જ્યારે વપરાશ ૨૮ મિલિયન ટન હોવાનો અંદાજ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.