ફુગાવો-મોંઘવારી વધતા કૃષિ ચીજોના વાયદા વેપાર પર પ્રતિબંધ મુકાયો

મુંબઈ, દેશમાં તાજેતરમાં ફુગાવો-મોંઘવારી વધતાં તથા વિવિધ રાજ્યોમાં આગળ ઉપર આવી રહેલી ચૂંટણીઓને લક્ષમાં રાખી કેન્દ્ર સરકારનું તંત્ર હવે દોડતું થયાના નિર્દેશો મળ્યા છે.આ પૂર્વે સરકારે પેટ્રોલ તથા ડિઝલ પરની એક્સાઈઝ ડયુટીમાં ઘટાડો કર્યો હતો અને હવે આજે મળેલા નિર્દેશો મુજબ વિવિધ રોજબરોજ વપરાતી કૃષી ચીજાેના વાયદાઓ પર સરકારે ઓચિંતો પ્રતિબંધ મૂકી દેતાં કૃષી કોમોડિટીઝ બજારોમાં આજે વ્યાપક ચકચાર જાગી હતી.
સેબી દ્વારા આજે આવો આદેશ બહાર પાડવામાં આવ્યો હોવાનું કૃષી બજારોના સૂત્રોએ જણાવ્યું હતું. આ આદેશ મુજબ ઘઉં, ડાંગર (નોન-બાસમતી), સોયાબીન, મગ, ક્રૂડ પામ ઓઈલ (સીપીઓ) સહિતની વિવિધ કૃષી ચીજાેમાં એક વર્ષ માટે ફયુચર તથા ઓપશન્સના સોદાઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
આ પૂર્વે ઓગસ્ટ મહિનામાં ચણામાં તથા ઓકટોબર મહિનામાં મસ્ટર્ડના વાયદા બજારમાં ડેરીવેટીવ્ઝ સોદાઓ પર સેબીએ પ્રતિબંધ મૂક્યો હતો.
સેબીના સૂત્રોના જણાવ્યા મુજબ આ વિવિધ કૃષી ચીજાેમાં વાયદાના નવા સોદાઓ હવે કરી શકાશે નહિં પરંતુ હાલ આ ચીજાેમાં જે ઊભા સોદા છે,તેને સુલ્ટાવવાની છૂટ આપવામાં આવી છે. એનસીડેક્સ તથા એમસીએક્સ પર કૃષી વાદયાઓનું ટ્રેડિંગ થાય છે. જાેકે કૃષી વાયદાઓના સંદર્ભમાં જાેઈએ તો એનસીડેક્સ પર કૃષી વાયદાઓના વેપારો વિશેષ થાય છે જ્યારે એમસીએક્સ પર કૃષી વાયદાઓના સોદા ઓછા થાય છે.
સોયાબીન, સોયાતેલ તથા ડેરીવેટીવ્ઝ વાયદાઓ પર આવા પ્રતિબંધો આવ્યા છે. આ વિવિધ કૃષી ચીજાેના વાયદાઓના નવા સોદાઓ પર પ્રતિબંધનો અમલ ૨૦મી ડિસેમ્બરથી થયો છે. તથા એક વર્ષ માટે આવો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
તાજેતરમાંં દેશમાં રિટેલ પ્રાઈસ ઈન્ફલેશન(ફુગાવો) વધતાં ૩ મહિનાની નવી ટોચ ફુગાવાના દરમાં દેખાઈ છે. ખાદ્યપદાર્થોના ભાવ વધતાં ફુગાવામાં વિશેષ વૃદ્ધી થઈ છે એવંમ જણાતાં સરકારે વાયદા બજાર સામે લાલ આંખ કરી છે. હોલસેલ ફુગાવામાં વૃદ્ધી ઓકટોબરમાં ૧૨.૫૪ ટકા તથા નવેમ્બરમાં ૧૪.૨૩ ટકા થઈ હતી. છેલ્લા ૮ મહિનાથી ફુગાવામાં નોંધપાત્ર વૃદ્ધી થઈ છે. વાયદાઓ પર બંધી પછી પણ જાે ફુગાવો વધશે તો વધુ કોમોડિટીઝ પર પ્રતિબંધ આવશે.
ઉપરાંત હાજર બજારમાં કૃષી ચીજાે પર સ્ટોક મર્યાદાઓ પર લાદવામાં આવી શકે છે. એવું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. જાેકે વાયદા બજારના સૂત્રોના જણાવ્યા મુજબ મગ, ડાંગર, ઘઉં સોયા ડેરીવેટીવ્ઝ વિ. કૃષી ચીજાેમાં હાલ વાયદાના વેપારોમાં વોલ્યુમ વિશેષ થતું નથી.
ચણા તથા મસ્ટર્ડના વાયદાઓ પર તો આ અગાઉથી જ અંકુશો આવી ગયા છે. સોયાબીન તથા સોયાતેલના વાયદા બજારમાં જાેકે કામકાજાે વિશેષ થાય છે અને આ ચીજાેની બજાર પર અસર જાેવા મળી શકશે એવું જાણકારો જણાવી રહ્યા છે.
મસ્ટર્ડ સરસવમાં તો આ વર્ષે વાવેતરનો વિસ્તાર નોંધપાત્ર વધ્યો છે તથા મસ્ટર્ડનો નવો પાક પણ બમ્પર આવવાની આશા છે. ફુગાવો ઘટાડવો હોય તો સરકારે પેટ્રોલ-ડિઝલને જીએસટી હેઠળ લાવવાની જરૂર છે એવું પણ બજારના સૂત્રોએ જણાવ્યું હતું.HS