ફુગ્ગા અને લાઈટો ફૂલો થી વોર્ડને સજાવી રંગોળી પૂરી કોરોના ના દર્દીઓ સાથે ઉજવ્યું નવું વર્ષ
સારવાર લઈ રહેલા ધારાસભ્ય જીતુભાઈ એ આ કોરોના વોરિયર્સ ને બિરદાવ્યા. …
દર્દીઓને વિડિયો કોલિંગ થી તેમના સ્વજનો સાથે સંવાદ કરાવ્યો…
વડોદરા, જબ હમ બૈઠે થે ઘરોં મેં વો ઝેલ રહે થે ગોલી..એક દેશભક્તિ ગીતની આ પંક્તિઓ જેવી સમર્પણ ની ગાથા નૂતન વર્ષના દિવસે ગોત્રી ની જી.એમ.ઇ.આર.એસ.હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ પરના તબીબો,નર્સિંગ અને આરોગ્ય સ્ટાફ અને સેવકોએ આલેખી હતી. અલબત્ત તેઓ નો રણ મોરચો જુદો હતો અને ગોળીઓ ઝીલવાની ન હતી .
પરંતુ તેઓ સૈનિકોની માફક જ સપરમા દિવસે પોતાના કુટુંબ કબીલા થી દુર રહીને ,જોખમ વહોરીને કોરોના પીડિતો ની સારસંભાળ લઈ રહ્યા હતા અને એમની સાથે જ કોરોના વોર્ડને સજાવી,શણગારી અને પ્રકાશિત કરી નવા વર્ષની તકેદારીઓ પાળીને ઉજવણી કરી હતી.વહીવટી નોડલ અધિકારી ડો.શીતલ મિસ્ત્રી આયોજિત આ અનોખી ઉજવણીમાં ડો.વિજય શાહે જોડાઈને સહુનો ઉત્સાહ વધાર્યો હતો.
શુભકામના ના એક વધારાના કદમ રૂપે સારવાર હેઠળના દર્દીઓને વિડિયો કોલીંગ થી તેમના સ્વજનો સાથે સંવાદ કરી અનોખી ભેટ આપી હતી.
હાલમાં ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ સુખડીયા પણ આ સરકારી દવાખાનામાં કોરોના ની સારવાર લઈ રહ્યાં છે. તેમણે દર્દીઓ સાથે એકાત્મતા અને સ્વજન ભાવ કેળવી ઉત્સવનો આનંદ આપવાની આ શુભ ચેષ્ટા ને બિરદાવી હતી અને સહુને શુભેચ્છા પાઠવી હતી.
દર્દીઓ અમારા સ્વજનો જેવા છે અને નવા વર્ષના આ પાવન પર્વે એમના સગા વ્હાલા થી દુર છે ત્યારે અમે જ એમના કુટુંબીજનો ની ફરજ બજાવી રહ્યાં છે એવા શબ્દો સાથે ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે નવા વર્ષનો આનંદ તેમને મળે તે માટે તબીબો અને આરોગ્ય કર્મચારીઓ,સેવકો સહિતના સમગ્ર સ્ટાફે વોર્ડની રંગ બિરંગી લાઇટ્સ, ફુગ્ગા અને ફૂલોથી સજાવટ કરી હતી.
કોરોના વોરિયરની સેવાઓને બિરદાવતિ રંગોળીથી પ્રવેશ દ્વાર સજાવ્યું હતું અને મીઠાઈ દ્વારા મોઢું મીઠું કરાવ્યું હતું. સહુને ત્વરિત રોગ મુક્તિ મળે એવી શુભકામનાઓ પાઠવી હતી.
આમ, ગોત્રી કોવિડ હોસ્પિટલ દ્વારા દર્દીઓ દિપાવલી અને નૂતન વર્ષના ઉત્સવ અને ઉત્સાહ થી વંચિત ન રહે તેવી પ્રેરક અને વિશેષ સારસંભાળ લઈ કોરોના વોરિયર ના સમર્પણ નો પ્રેરક દાખલો બેસાડવામાં આવ્યો હતો.