ફૂગ્ગા વેચવાના બહાને રેકી કર્યા બાદ રાત્રે ધાડ પાડતી ગેંગ ઝડપાઈ
સુરત, સુરત સહિત આંતરરાજ્યમાં ઘરફોડ ચોરી કરનારી ચડ્ડી-બનિયાન ધારી ગેેગના ૧૦ કુખ્યાત આરોપીઓ ને ઝડપી પાડવામાં સુરત ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે. મુળ મધ્યપ્રદેશની આ કુખ્યાત ટોળકી વિરૂધ્ધ માત્ર સુરત શહેરમાં જ ૧૪ ગુના નોંધાયા છે.
આ સિવાય રાજ્યના અમદાવાદ-આણંદ સહિતના અન્ય શહેરોમાં પણ ગુનાઓ નોંધાયા હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસે આરોપીઓ પાસેથી ૧.પ૦લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના સહિત કુલ ૩.૬૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઝડપાયેલા તમામ આરોપીઓ છેલ્લા ચાર મહિનાથી સુરતના આમરોલી બ્રિજ પાસે આવેલા ખુલ્લા પ્લોટ પર શ્રમિકોનો વેશ ધારણ કરીને વસવાટ કરતા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂગ્ગા વેચવાના બહાને રેકી કરતા હતા. અલગ અલગ વિસ્તારોમાં રેકી કર્યા બાદ આ પાંચેય ઈસમો સાંજે સાતેક વાગ્યા સુધી પોતાની ટોળકી પાસે પહોંચી જતાં હતા અને બાદમાં આખેઆખી ટોળકી રાત્રીના આઠેક વાગ્યા સુધી નક્કી કરેલા લોકેશન પર પહોંચી જતાં હતા.
જ્યાં આ ટોળકી નક્કી કરેલા લોકેશનની આસપાસ આવેલા અવાવરૂં જગ્યામાં છુપાઈ જતાં હતા. રાત્રે દોઢથી બે વાગ્યાના સુમારે આ આરોપીઓ પોતાના તમામ કપડાં કાઢીને માત્ર ચડ્ડી બનિયાન જ પહેરીને લુંગીમાં ઘરફોડ માટેના સાધનો છુપાવીને નક્કી કરેલા બગલા પર ત્રાટકતા હતા.
તમામ આરોપીઓએ આ ધાડ દરમ્યાન પોત-પોતાની કામગીરી વહેચી લેતા હતા. ક્રાઈમ બ્રાંચ દ્વારા આજે આરોપીઓની ધરપકડ કર્યા બાદ જણાવવામાં આવ્યુ હતુ કે આ ગેંગ દ્વારા માત્ર સુરતમાં જ નહી પણ રાજ્યના અમદાવાદ, આણંદ, ખેડા, ડીસા, વલસાડ, બરોડા, નવસારીમાં પણ ધાડ પાડવામાં આવી હતી. જેની તપાસ ક્રાઈમ બ્રાંચ દ્વારા હાથ ધરવામાં આવી છે.