Western Times News

Gujarati News

ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો નકલી અધિકારી ઝડપાયો

અમદાવાદ: સરકારી બાબુઓ લાંચ લેવાના કિસ્સાઓ સતત વધી ગયા છે. ત્યારે નકલી સરકારી બાબુઓ બની તોડ કરી રહ્યા હોવાનો રાફડો ફાટી નીકળ્યો છે. આવો જ એક કિસ્સો સિંગરવા જીઆઇડીસી ફેકટરી માલિક પાસે જાત જાતના દસ્તાવેજ માંગી ફેકટરી બંધ કરાવવાની ધમકી આપી તોડ કરવા ગયેલો નકલી વિજિલન્સ અધિકારી ઝડપાયો છે. ઓઢવ સિંગરવા જીઆઇડીસીમાં કલ્યમ એરોમેટિક પ્રા. લિમિટેડના નામે ફેક્ટરી ધરાવતા સંદીપ પટેલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ અલગ અલગ ફ્લેવરની અગરબત્તી બનાવવાનો વ્યવસાય કરી રહ્યા છે. ગુરુવારના રોજ સવારે તેમની ફેકટરીમાં એક વ્યક્તિ આવીને પોતે ડ્રગ્સ વિભાગનો વિજિલન્સ અધિકારી એકે પટેલ હોવાની ઓળખ આપી હતી.

ત્યારબાદ ચેક કરવા માટે ફેકટરીના વિવિધ દસ્તાવેજોની માગણી કરી હતી. જેથી તમામ પ્રકારના જરૂરી દસ્તાવેજ બતાવ્યા હતા. બાદમાં આ વ્યક્તિએ ગુમાસ્તાધારા અને પોલ્યુશન બોર્ડનું લાયસન્સ તથા ફાયરસેફ્ટી પ્રમાણપત્ર તમારી પાસે નથી તેમ કહીને તેણે આ પ્રમાણપત્ર આપવાની વાત કરી હતી. એટલું જ નહીં તેના માટે પેટે ૩૫૦૦ની માંગણી કરતા વેપારી આપી દીધા હતા. જો આ પ્રમાણ પત્ર નહિ હોય તો ફેકટરી સીલ મારી દેવાની ધમકી આપી હતી. ફેક્ટરીના માલિકે ડ્રગ્સ વિભાગના વિજિલન્સ અધિકારી ઓળખ આપતા પ્રમાણપત્ર બનાવવા પૈસા આપી દીધા હતા અને નકલી અધિકારીએ ફેકટરી માલિક કહ્યું હતું કે બીજા દિવસે પોતે રૂબરૂ આવી પ્રમાણપત્ર આપી જશે તેમ કહી મોબાઈલ નંબર આપ્યો હતો.

જોકે ફેક્ટરી માલિકે ફોન કરતાં કોઈક મહિલાએ ફોન ઉપાડી ને કહ્યું કે તે મને ફોન કરશો તો પોલીસ ફરિયાદ કરી દઈશ જેથી ફરિયાદીને શંકા ગઈ હતી. જેથી ગાંધીનગરમાં આ નામના અધિકારી ખરાઈ કરાવતા નકલી અધિકારી હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ આજે સવારે તે પ્રમાણપત્ર આપવા આવતા ફરિયાદીએ પોલીસને જાણ કરી હતી. જેથી ઓઢવ પોલીસે જઈ આરોપીને પકડી પાડયો હતો. પોલીસ ગિરફતમાં રહેલા નકલી અધિકારી ખોખરા વિસ્તારમાં પશ્ચિમ રેલવે કોલોનીમાં રહેતો અમિત જૈન કુમાર આચાર્ય હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેની પાસેથી સિક્કા અને નકલી પ્રમાણપત્રો કબજે કર્યા હતા. જેમાં આરોપીએ આ નકલી દસ્તાવેજો વસ્ત્રાલ કેનાલ પાસે સાયબર કાફેમાં બનાવ્યા હોવાનું કબુલાત કરી હતી. ત્યારે પોલીસે તપાસ શરૂ કરી છે કે અન્ય કેટલા ફેકટરી માલિકોને નકલી અધિકારી ઓળખ બતાવી તોડ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.