ફૂડ સેફ્ટી ઈન્ડેક્ષમાં ‘ગુજરાત’ રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત
ફૂડ સેફ્ટી ક્ષેત્રે સૌથી સારું પ્રદર્શન કરવા બદલ ગુજરાત રાજ્યને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા એવોર્ડ એનાયત
ખોરાક પરીક્ષણ તથા ગ્રાહક સશક્તિકરણ સહિતના માપદંડના મૂલ્યાંકનમાં ગુજરાત અવ્વલ
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, નવી દિલ્હી દ્વારા સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્ષ હેઠળ સૌથી સારું પ્રદર્શન કરનાર રાજ્યને એવોર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નિયત કરવામાં આવેલા વિવિધ માપદંડોનાં મૂલ્યાંકનમાં ગુજરાત અવ્વલ રહ્યુ છે. ફૂડ સેફ્ટી ઈન્ડેક્ષમાં ‘ગુજરાત’ રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયુ છે. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યને ફૂડ સેફ્ટી ક્ષેત્રે અગ્રગણ્ય પ્રદર્શન કરવા બદલ ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા, નવી દિલ્હી તરફથી ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ તથા સન્માન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.
તા.૧/૪/૧૮ થી ૩૧/૩/૧૯ સુધીની સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષને લગતી કામગીરીના મૂલ્યાંકનના આધારે કમિશનર ઓફ ફૂડ સેફટી કચેરીને કામગીરી આધારિત ગુણાંકન આપવામાં આવ્યું હતું. જેમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી દ્વારા રાષ્ટ્રીય કક્ષાનાં એેવોર્ડ માટે ગુજરાતની પસંદગી થતા આ એવોર્ડ રાજ્યનાં ફૂડ એન્ડ સેફટી કમિશનર શ્રી ડૉ.એચ.જી.કોશીયાએ સ્વિકાર્યો હતો.
આ રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ અને સન્માન પ્રમાણપત્ર કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડૉ હર્ષવર્ધન, રાજ્યકક્ષાના મંત્રીશ્રી અશ્વિનીકુમાર ચોબે તથા સીઈઓશ્રી પવનકુમાર અગ્રવાલ, એેફ.એસ.એસ.એ.આઈ.નાં ચેરપર્સન શ્રીમતી રીટા ટેબરિયા અને ભારત સરકારના હેલ્થ સેક્રેટરી શ્રીમતી પ્રીતિ સુદાનનાં વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હી દ્વારા પ્રથમ ટેસ્ટ ફૂડ સેફટી ઈન્ડેક્ષ ૨૦૧૮-૧૯ ની જાહેરાત કરવામાં આવી હતી અને ૭ જૂન ૨૦૧૯ ના રોજ પ્રથમ ‘વર્લ્ડ ફૂડ સેફટી’ના દિવસે જાહેરાત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજનમાં તમામ રાજ્યો- કેન્દ્રશાસિત પ્રદેશોને વિવિધ માપદંડ મુજબ સિદ્ધિઓ રજૂ કરવાની હતી. માપદંડમાં માનવ સંસાધન અને સંસ્થાકીય માહિતી, પાલન, ખોરાક પરીક્ષણ- ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને દેખરેખ, તાલીમ અને ક્ષમતા નિર્માણ અને ગ્રાહક સશક્તિકરણ સહિતના ગુણવત્તાસભર મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમા સ્કોરિયમ પેરામીટરના આધારે કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવવામાં આવ્યું છે.