ફૂલો ખર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે..?
ફૂલો ખર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે..?
તમને સ્મર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે ?
પાછું ફર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે ?
મારા જ હાથે ખુદની હસ્તી મિટાવી દીધી,
બાકી, મર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે ?
કાયર નથી જ કિન્તુ રહેવું પડ્યું છે મૂંગુ,
ભૂલો કર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે?
તમને મેં એની સાથે જાેયા પછીની ક્ષણનાં,
તળ થરથર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે ?
અંગત છે નહીં તો જાણું ઉપવન ઉજાડ્યું કોણે?
ફૂલો ખર્યાનું કારણ, કહેવાય એમ ક્યાં છે ?
– યોગેશ પંડ્યા
યોગેશ પંડ્યા ખૂબજ જાણીતું નામ છે. વાર્તા જગતમાં તેમનું નામ ગુંજે છે. ૧૯૯૮થી તેમની વાર્તાઓ લોકો સુધી પહોંચી છે. ભાવકો તેમની વાર્તાઓની મીટ માંડીને રાહ જાેતા હોય છે. યોગેશ પંડ્યાનો જન્મ ૧૯-૯-૬૯માં થયેલો. તેઓ પાંચમાં ધોરણમાં હતા ત્યારથી જ તેમને સાહિત્ય પ્રત્યે લગાવ હતો.
આઠમા ધોરણમાં હતા ત્યારે ‘ફૂલવાડી’માં વાર્તા અને જાેક્સ મોકલ્યા. અને પછી સાહિત્યની કેડી પર ડગ માંડ્યા. તેઓ વાર્તાઓ, કવિતા, નવલકથા જેવા અનેક સાહિત્ય પ્રકારોમાં ખેડાણ કર્યું છે. તેમના ઘણાબધા પુસ્તકો પણ પ્રકાશિત થયા છે. તેમને એવી કૃતિ વાંચવી ગમે જે મનને તરબતર કરી દે, જે સંતર્પક હોય.
નામી-અનામી લેખકોની કૃતિનો આનંદ તેઓ માણે છે. ઓ હેનરી, મંટો, પન્નાલાલ પટેલ, રવિન્દ્રનાથ ટાગોર, કમલેશ્વર, અશ્વિની ભટ્ટ, હરકિશન મહેતા ચંદ્રકાન્ત બક્ષી, મુમંત રાવલ, કેશુભાઈ દેસાઈ, ભોળાભાઈ જેવા રચનાકારો તેમના મનપસંદ લેખકો તેમજ આદર્શ તેમજ પ્રેરક છે.
“તમને સ્મર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે?
પાછું ફર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે?”
કોઈને એમ યાદ કર્યા એ કહી શકાય નહીં. કેમકે કોઈની યાદ મનમાં ચુપચાપ આવે છે અને મનના દરવાજામાંથી આવીને ભીતરમાં સમાઈ જાય છે. જીવનની કડવી વાસ્તવિકતા એ છે કે જીવનમાં પ્રેમ બધાને નથી મળતો. પ્રેમ બધાનો સફળતાના શિખરે નથી પહોંચતો. પ્રેમ દિલથી શરુ થઈ દિલમાં વસે છે. પ્રેમની યાદ ગમે ત્યારે વાવાઝોડાની જેમ આવે છે અને પાછળ પ્રેમ જ પ્રેમ છોડી જાય છે.
“મારા જ હાથે ખુદની હસ્તી મિટાવી દીધી,
બાકી, મર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે ?
જીવનમાં તકલીફો સહન કરીએ પણ કોઈને મનની વાતો ન કહીએ કેમકે આ દુનિયામાં લોકો સમજવા કરતા તમાશો જાેઈ વાતનું વાવેતર જ કરતા હોય છે. કોઈને પોતાના મનની વાત બીજાને કહેવી જ ન જાેઈએ. લોકો તમારી વાતમાં મીઠુ, મરચુ ગરમ મસાલો ભભરાવી વાતોના વડા બનાવી મજા માણશે. ખુશીથી મજા કરશે અને ઘરે જઈ આરામથી સૂઈ જશે. પોતાની પીડાનું સમાધાન પોતે જ શોધવું. જીવનમાં હાર ન માનવી. જેના પર વિશ્વાસ મૂકીએ જ વિશ્વાસઘાત કરે છે.
“કાયર નથી જ કિન્તુ રહેવું પડ્યું છે મૂંગુ,
ભૂલો કર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે ?”
ક્યારેક ચુપ રહેવામાં જ સમજદારી હોય છે. જીવનમાં બધી વાતો બધાને કહેવાય નહીં. બધામાં વાતને સમજવાની સમજદારી હોતી જ નથી. બધુ જ જાણવા સમજવા છતાં ચુપ રહેવામાં જ સમજદારી છે. ક્યારેક એવી વાત કે જેનાથી કોઈનું ભલુ થતું હોય એ વાત ગળી જ જવી જાેઈએ. કોઈનંુ સારું થાય એ માટે મૌન રહેવું પડે તો મૌન રહેવું જાેઈએ. જીવનની આંટીઘુટીમાં આપણે ન ઈચ્છીએ એ પણ કરવું પડે છે.
“તમને મેં એની સાથે જાેયા પછીની ક્ષણનાં,
તળ થરથર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે ?
દુખ અને તકલીફની ચરમસીમા આપણા પ્રેમીને કોઈની સાથે જાેવું. પ્રેમમાં જ્યારે કોઈવિશ્વાસઘાત કરે ત્યારે હ્ય્દય પર સૌથી વધુ આઘાત લાગે છે. જીવનની આ ક્ષણ સહન કરવી અશક્ય છે. તકલીફોથી મન છલીત થઈ જાય છે. તકલીફોનું એવું વાવાઝોડું આવે જે મનને વારંવાર તકલીફ પહોંચાડ્યા જ કરે છે.
“અંગત છે નહીં તો જાણું ઉપવન ઉજાડ્યું કોણે?
ફૂલો ખર્યાનું કારણ, કહેવાય એમ ક્યાં છે ?”
પોતાના જ જયારે તકલીફ પહોંચાડે ત્યારે તેની તકલીફ આપણને વધુ થાય છે. બીજા તકલીફ પહોંચાડે ત્યારે આપણને બહુ ફેર નથી પડતો, કેમ કે આપણને ખબર જ હોય છે કે પારકા એ પારકા જ છે. પણ પોતીકા જ્યારે તકલીફ પહોંચાડે ત્યારે વધુ મન દુખાય છે. મનની તકલીફ ત્યારે વધુ વધી જાય છે જ્યારે પોતીકા પીઠમાં ખંજર ભોંકે.
અંતની અટકળ
મનમાં હતું કે એવું સંઘર્ષ પૂરો થઈ ગ્યો,
કિન્તુ ઊભા છે રસ્તે પડકાર નોખા નોખા.
– યોગેશ પંડ્યા