ફેન્સ મને પ્રેમ કરવાનું બંધ કરી દેશે તે સૌથી મોટી ચિંતા
મુંબઈ: હી-મેન તરીકે જાણીતા બોલિવુડ એક્ટર ધર્મેન્દ્ર ૮૫ વર્ષના થવા આવ્યા છે, આજે પણ જ્યારે તેઓ કેમેરા સામે જાય છે ત્યારે પોતાની પહેલી ફિલ્મ વખતે જેટલા ઉત્સાહિત હતા એટલા જ ઉત્સાહિત રહે છે.
એક્ટરે હાલમાં જ પોતાની અપકમિંગ ફિલ્મ તેમજ પોતાની સૌથી મોટી ચિંતા સહિતની બાબતો પર વાત કરી હતી. એક ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીત કરતાં, ધર્મેન્દ્રએ કહ્યું કે ૬૦ વર્ષના થયા બાદ તેમણે પોતાની ઉંમર ગણવાનું બંધ કરી દીધું છે. તેમના કહેવા પ્રમાણે, તમારી ઉંમર ગમે એટલી હોય પરંતુ તમારે તમારા ઉત્સાહને જીવિત રાખવો જોઈએ.
એક્ટરે ઉમેર્યું કે, તેઓ જીવનમાં આવનારી દરેક બાબતને લઈને નાના બાળક જેટલા ઉત્સાહિત રહે છે. એક્ટર તરીકે હવે શું કરી શકાય તે બાબત તેમનો ઉત્સાહ વધારે છે. વધુ વાત કરતાં ધર્મેન્દ્રએ કહ્યું કે, કેમેરા તેમને પ્રેમ કરે છે અને જ્યારે તેઓ કેમેરાની સામે જાય છે ત્યારે અલગ વ્યક્તિ બની જાય છે. તેમના કહેવા પ્રમાણે, એક્ટર હંમેશા એક્ટર બનવાનું સપનું જુએ છે અને તેઓ તે ફેન્સના પ્રેમના કારણે બની શકે છે. આ સિવાય તેમણે પોતાની સૌથી મોટી ચિંતા અંગે પણ ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે, ‘ફેન્સ મને પ્રેમ કરવાનું બંધ કરી દેશે તે મારી સૌથી મોટી ચિંતા છે’.
તેથી તેઓ આજે પણ પોતાને નવોદિત માને છે. ‘હું મારી જાતને કહું છું કે, મારે અલગ-અલગ રોલ સાથે પ્રયોગ કરવાની જરૂર છે’, તેમ એક્ટરે કહ્યું. હું વેબ સીરિઝમાં પણ કામ કરવા માટે તૈયાર છું. દશકો બદલાતા દર્શકોનો ટેસ્ટ પણ બદલાઈ જાય છે. તેથી તમારે તેમને એ પ્રકારનું સિનેમા પીરસવું પડે જેમાં તેમને મજા આવે. હુ એક્ટર તરીકે અનસ્ટોપેબલ છું. હું વેબ શો પણ કરીશ. હું માત્ર સારી તકની રાહ જોઈ રહ્યો છું’,
તેમ ધર્મેન્દ્રએ ઉમેર્યું. ધર્મેન્દ્ર છેલ્લે વર્ષ ૨૦૧૮માં રિલીઝ થયેલી ફિલ્મ યમલા પગલા દિવાના ફિર સેમાં જોવા મળ્યા હતા. હવે તેઓ અપને ૨માં દીકરા સની-બોબી દેઓલ તેમજ પ્રપૌત્ર કરણ સાથે જોવા મળશે. અપને ૨ વર્ષ ૨૦૦૭માં આવેલી ફિલ્મ અપનેની સિક્વલ છે. જેની જાહેરાત થોડા દિવસ પહેલા દેઓલ પરિવારે કરી હતી.