ફેસબુક પર કાર વેચવાની જાહેરાતના બહાને રૂ.૧.૯૧ લાખની છેતરપીંડી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/06/facebook-scaled-1-1024x608.jpg)
(પ્રતિનિધિ) અમદાવાદ: દેશભરમાં લોકડાઉન બાદ અનલોક-૧માં અપાયેલી છુટછાટોના પગલે હવે ગુનાખોરીનો આંક પણ વધવા લાગ્યો છે ખાસ કરીને ઓનલાઈન છેતરપીંડીની ઘટનાઓ વધી ગઈ છે પેટીએમ તથા એટીએમ કાર્ડના નંબરો જાણી ખાતામાંથી બારોબાર રૂપિયા ઉપાડી લેવામાં આવે છે આ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે જેમાં બીએસએફમાં ફરજ બજાવતા હોવાનું જણાવી ગઠીયાએ ફેસબુક પર કાર વેચવાની જાહેરાત મુકી અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા એક યુવક સાથે રૂ.૧.૯૧ લાખની છેતરપીંડી આચરતા સોલા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં અનલોક-૧ દરમિયાન ગુનાખોરીનો આંક વધવા લાગ્યો છે ખાસ કરીને લોકડાઉન દરમિયાન ઘરમાં રહેલા નાગરિકો હવે અનલોક-૧માં ઘરની બહાર નીકળવા લાગ્યા છે
પરંતુ કોરોનાનો ચેપ લાગવાના ભયથી જાહેર સ્થળો પર જતા ગભરાઈ રહયા છે જેના પરિણામે અનલોક-૧માં ઓનલાઈન ટ્રાન્ઝેકશન વધવા લાગ્યુ છે આ પરિસ્થિતિનો લાભ ભેજાબાજ ગઠીયાઓ ઉઠાવવા લાગ્યા છે શહેરના ગોતા વિસ્તારમાં આવેલી વંદેમાતરમ સીટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા સુરેશભાઈ પટેલે થોડા દિવસ પહેલા કાર વેચવાની જાહેરાત જાઈ હતી આ પોસ્ટમાં કાર વેચનારનો નંબર પણ મુકવામાં આવ્યો હતો કારની સ્થિતિ જાતા સુરેશભાઈએ ફેસબુકમાં આપેલા નંબર પર તાત્કાલિક ફોન કર્યો હતો.
ફેસબુકમાં દર્શાવેલા ફોન પર સુરેશભાઈએ ફોન કરતા જ સામેથી ફોન ઉપાડનારે પોતાનું નામ દીપકકુમાર યાદવ બતાવ્યુ હતું બંને વચ્ચે વાતચીત થયા બાદ સુરેશભાઈએ કાર અંગે પુછપરછ કરી હતી અને ગાડીના વધુ ફોટા તથા ડોકયુમેન્ટ વોટસઅપ પર મોકલવા જણાવ્યું હતું
જેના પગલે દીપક યાદવ નામના ગઠીયાએ ગાડીના ડોક્યુમેન્ટ તથા ફોટા વોટસઅપ પર મોકલ્યા હતાં આ દરમિયાનમાં વાતચીત થતાં દીપક યાદવે જણાવ્યું હતું કે તે પોતે બીએસએફમાં ફરજ બજાવે છે અને હાલ જેસલમેર ખાતે તેનુ પોસ્ટીંગ છે જેના પરિણામે સુરેશભાઈ આ ગઠીયાની વાતચીતમાં આવી ગયા હતા. ગઠીયાએ જણાવ્યું હતું કે કાર આર્મીના ટ્રાન્સપોર્ટમાં અમદાવાદ મોકલશે ત્યારબાદ સુરેશભાઈ પર વિકાસ નામના ગઠીયાનો ફોન આવ્યો હતો અને તેણે ગાડીની ડીલીવરીના કન્ફર્મેશન માટે વાત કરી હતી તેણે જણાવ્યું હતું કે ગાડી પાલનપુર પહોંચી ગઈ છે અને ટ્રાન્સપોર્ટેશન માટે ૧પ હજાર રૂપિયા ભરવા પડશે
આમ કહી સુરેશભાઈએ કુલ રૂ.૧.૯૧ લાખ જમા કરાવ્યા હતા પૈસા ભરવા છતાં ગાડીની ડીલીવરી ન થતાં આખરે સુરેશભાઈને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો તેમણે આ અંગે સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સુરેશભાઈ ઉપર આવેલા ગઠીયાઓના ફોન નંબરના આધારે તપાસ શરૂ કરી છે.