ફેસબુક ફ્રેન્ડની જ્ઞાતિ દલિત હોવાની જાણ થતા યુવતીએ યુવકની પીટાઇ કરી, ઝેર આપી દેતા યુવકનું મોત
લખનૌ,ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના આનંદપુર ગામના ગૌરવ કુમારની ફેસબુક પર એક યુવતી સાથે મિત્રતા થઈ હતી. ત્યાર બાદ જ્યારે યુવતીને જાણવા મળ્યું કે, યુવક દલિત જાતિનો છે, તો યુવકની ફેસબુક ફ્રેન્ડ એટલી ગુસ્સે થઇ ગઇ કે તેણે પરીવારજનો સાથે મળીને ગૌરવ કુમાર સાથે મારપીટ કરી હતી. આરોપ છે કે યુવકને પરાણે ઝેર પણ ખવડાવી દીધું હતું, જેમાં તેનું મૃત્યું થયું હતું. પોલીસે આરોપી રિંકીની ધરપકડ કરી લીધી છે.
સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર, આનંદપુર ગામના ગૌરવ કુમાર અને દનકૌર ક્ષેત્રના એક ગામની યુવતી રિંકીની બે વર્ષ પહેલા ફેસબુક પર દોસ્તી થઇ ગઇ હતી. યુવકે ફેસબુક પર પોતાના નામની આગળ ગુર્જર લખ્યું હતું. જાેકે યુવક દલિત જ્ઞાતિનો હતો. પોલીસે જણાવ્યા અનુસાર, રિંકીએ ગૌરવને ગુર્જર સમજીને તેની સાથી ફેસબુક પર દોસ્તી કરી હતી. પરંતુ બાદમાં જ્યારે યુવતી અને તેના પરીવારને યુવકની જ્ઞાતિ વિશે જાણ થઇ તો તમામ સ્તબ્ધ થઇ ગયા હતા.
આ વાતની જાણ થતા ગુસ્સે ભરાયેલી રિંકીએ ગૌરવને દાદરી બોલાવ્યો હતો. જ્યાં યુવતીએ પરીવાર સાથે મળીને યુવકને મારીને અધમુઓ કરી દીધો હતો. આરોપ છેકે, યુવકને પરાણે ઝેર પણ આપવામાં આવ્યું હતું. જેનાથી યુવકની હાલત વધારે કફોડી થઇ ગઇ હતી. સૂચના બાદ પહોંચેલા યુવકના પરિવારજનોએ યુવકને ગંભીર હાલતમાં ગ્રેટર નોઈડાની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં તેમનું મોત ૨૪ મેના રોજ થયું હતું.
મોત પહેલા યુવકે આ સમગ્ર મામલાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.ગૌરવકુમારના પરિવારજનોએ રિંકી સહિત કુલ નવ લોકો અને તેના પરિવારના ચાર સભ્યો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મુખ્ય આરોપી રિંકીની ધરપકડ કરી હતી. એડિશનલ ડીસીપી વિશાલ પાંડેએ જણાવ્યું કે, યુવકની હત્યાના મુખ્ય આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી છે. અન્ય આરોપીઓને જલદી જ પકડી પાડવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.HS2KP