Western Times News

Gujarati News

ફેસલેસ ટેક્સ સ્ક્રુટિનીનો પ્રારંભ IT ટેક્સપેયર ચાર્ટર અપનાવશે

દેશના તમામ કરદાતાઓને રાષ્ટ્રનિર્માણના યોગદાન માટે સમયસર ટેક્સ ભરવા મોદીનું આહવાન: કરદાતા-અધિકારીની જવાબદારી નિર્ધારિત થશે

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશમાં નવી કર વ્યવસ્થાનો પ્રારંભ કરાવ્યો છે. પીએમ મોદીએ ટ્રાન્સપરન્ટ ટેક્સેશન- ઓનરિંગ ધ ઓનેસ્ટ પ્લેટફોર્મને ઓનલાઈન લોન્ચ કર્યું હતું જેમાં ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિનીનો પ્રારંભ કરાયો છે. ફેસલેસ ટેક્સ અપીલ સેવાનો ૨૫ સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. વડાપ્રધાને આ પ્રસંગે દેશના તમામ કરદાતાઓને રાષ્ટ્રનિર્માણના યોગદાન માટે સમયસર ટેક્સ ભરવા પણ આહવાન કર્યું હતું. આવકવેરા વિભાગ ‘ટેક્સપેયર ચાર્ટર’ને અપનાવશે જે કરદાતા અને આવકવેરા કચેરી બન્નેના અધિકારો તેમજ જવાબદારીઓની રૂપરેખા નિર્ધારિત કરશે. વડાપ્રધાને પોતાના સંબોધમાં જણાવ્યું કે, દેશમાં ગુલામીકાળથી કર વ્યવસ્થા અમલમાં છે અને તેમાં સમયાંતરે ઓછાવત્તા બદલાવો થતા રહ્યા પરંતુ તેનું મૂળ માળખું જૂનું જ રહ્યું હતું અને વ્યવસ્થા જૂનવાણી ઢબે જ ચાલી રહી હતી.

આ માળખાને પગલે દેશના પ્રામાણિક કરદાતાઓ સાથે હંમેશા અન્યાય થતો રહ્યો. જો કે આ પ્લેટફોર્મથી હવે પ્રામાણિક કરદાતાઓને ન્યાય મળી શકશે તેમ પીએમે વધુમાં જણાવ્યું હતું. મોદીએ લોકોને સમયસર કર ચૂકવવા માટે પણ જણાવ્યું હતું. જેમ કરદાતા સાથે સમ્માનપૂર્વક વ્યવહાર કરવો તે કરવેરા અધિકારીની જવાબદારી છે તેમ પોતાનો બાકી કર આપવો તે કરદાતાની જવાબદારીમાં આવે છે.

ભારતમાં વર્તમાન સમયે કોર્પોરેટ ટેક્સનો દર સૌથી ઓછો છે તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું, એક સમય હતો જ્યારે રિફોર્મની વાતો થતી હતી, દબાણમાં લેવાયેલા ર્નિણયને પણ રિફોર્મ કહેવાતા હતા. હવે આ વિચાર અને એપ્રોચ બદલાઈ ગયા છે. આપણા માટે રિફોર્મનો અર્થ એ છે કે તે નીતિ આધારિત હોય, ટુકડામાં ન હોય અને એક રિફોર્મ બીજા રિફોર્મનો આધાર બને. એવું પણ નથી કે એકવાર રિફોર્મ કરીને અટકી ગયા. ઈઝ ઓફ ડુઈંગમાં ઘણા વર્ષ પહેલા ૧૩૪માં નંબરે હતા, હવે ૬૩માં નંબરે આવી ગયા છીએ. તેની પાછળનું કારણ રિફોર્મ્‌સ છે.

ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિની એટલે શું? ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિની વ્યવસ્થામાં કરદાતા કોણ છે તેમજ કરવેરા અધિકારી કોણ છે તેનો કોઈ અર્થ રહેતો નથી. જૂની વ્યવસ્થા હેઠળ શહેરમાં રહેલા આવકવેરા વિભાગ દ્વારા કરદાતાની તમામ તપાસ થતી હતી પરંતુ હવે કોઈપણ રાજ્ય અથવા શહેરના અધિકારી કોઈપણ સ્થળે તપાસ કરી શકે છે. કમ્પ્યૂટર મારફતે આ નક્કી થશે કે ક્યા ટેક્સ અધિકારીએ કોની સ્ક્રૂટિની કરવી. આ એસેસમેન્ટનો રિવ્યૂ ક્યા અધિકારી પાસે જશે તે પણ કોઈ જાણી શકશે નહીં. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે આવકવેરા અધિકારીઓ સાથે પરિચય કેળવીને તેમને પ્રલોભનો આપનારા તત્વો હવે ફાવી નહીં શકે. આ વ્યવસ્થાને પગલે બિનજરૂરી કાયદાકીય ગૂંચવણથી પણ બચી શકાશે. જે લોકો ખોટા વિકલ્પો અપનાવતા હતા અને કરચોરી કરતા હતા તેમને આ વ્યવસ્થાથી મુશ્કેલી પડી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.