ફોન જાસૂસી લોકશાહીમાં એક અપરાધ : અખિલેશ યાદવ
લખનૌ: ઇઝરાઇલના સ્પાઇવેર પેગાસસ દ્વારા કથિત જાસૂસી કરવાના મામલે વિપક્ષે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવથી લઈને બહુજન સમાજ પાર્ટીની ચીફ માયાવતીએ સરકાર પર નિશાન સાધ્યું છે. તો ઓવૈસીએ પણ કેન્દ્ર સરકાર પર પ્રશ્ન ઉઠાવ્યો છે. અખિલેશે કહ્યું કે, ફોન ટેપ કરીને લોકોની વ્યક્તિગત વાતોને સાંભળવી ‘પ્રાઇવસીના અધિકાર’નું ઘોર ઉલ્લંઘન છે. તો માયાવતીએ આને ગંદી રમત ગણાવી છે.
બંનેએ આ મામલે નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ કરી છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વીટ કર્યું કે, ‘ફોનની તપાસ કરાવીને લોકોની વ્યક્તિગત વાતો સાંભળવી પ્રાઇવસીના અધિકારનું ઘોર ઉલ્લંઘન છે. જાે આ કામ ભાજપ કરાવી રહ્યું છે તો આ દંડનીય છે અને ભાજપ સરકાર એ કહે છે કે તેને આની જાણકારી નથી તો આ રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રે તેની અસફળતા છે. ફોન જાસૂસી લોકશાહીમાં એક અપરાધ છે.’
માયાવતીએ કહ્યું કે, ‘જાસૂસીનો ગંદો ખેલ તેમજ બ્લેકમેઇલ વગેરે કોઈ નવી વાત નથી, પરંતુ ઘણા મોંઘા ઉપકરણોથી પ્રાઇવસી ભંગ કરીને મંત્રીઓ, વિપક્ષી નેતાઓ, અધિકારીઓ તેમજ પત્રકારો વગેરેની જાસૂસી કરવી અતિગંભીર તેમજ ખતરનાક મામલો છે. આનો ભાંડાફોડ થવાથી અહીં દેશમાં પણ ખળભળાટ ફેલાયા ે છે.’ બીએસપી ચીફે એક બીજું ટ્વીટ કરીને લખ્યું કે, ‘આ સંબંધમાં કેન્દ્રની વારંવાર અનેક પ્રકારની સ્પષ્ટતા, ખંડન અને તર્ક લોકોના ગળે નથી ઉતરી રહ્યા.
સરકાર અને દેશની પણ ભલાઈ એમાં છે કે આ મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આની સંપૂર્ણ સ્વંત્રત અને નિષ્પક્ષ તપાસ તાત્કાલિક કરાવવામાં આવે જેથી આગળની જવાબદારીઓ નક્કી કરી શકાય.’ ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ કહ્યું છે કે, સરકાર જણાવે કે તેમણે આ સૉફ્ટવેર ખરીદ્યું કે નહીં? આ ઉપરાંત તેમણે કહ્યું કે, સરકારે એ પણ સ્પષ્ટ કહેવું જાેઇએ કે તેમણે આ મામલે શું કાર્યવાહી કરી. ઓવૈસીએ કહ્યું કે, જાે સરકારે જાસૂસી કરાવવી હતી તો ચીનની કરાવવી હતી.