Western Times News

Gujarati News

ફોન પર માર્ગદર્શન મેળવીને શિક્ષિકાએ ડિલિવરી કરાવી

મૈસૂર: ફોન પર મુંબઈના ડોક્ટર પાસેથી માર્ગદર્શન મેળવીને, માધ્યમિક સ્કૂલના એક શિક્ષિકાએ મંગળવારે શહેરના પાર્કમાં મહિલાને ડિલિવરી કરવામાં મદદ કરી હતી. આમ કરીને તેમણે મહિલા અને નવજાત બાળકી એમ બંનેનો જીવ બચાવી લીધો હતો. કોડગુ જિલ્લાના મણિકોપ્પલમાં રહેતી ૩૫ વર્ષીય મલ્લિકા નઝારાબાદમાં આવેલા પાર્કમાં બેઠી હતી ત્યારે સવારે આશરે ૮.૪૫ કલાકે તેને પ્રસૂતિની પીડા ઉપડી હતી.

જ્યારે તેને બ્લીડિંગ થવા લાગ્યું ત્યારે તેનો ૪ વર્ષનો દીકરો અને ૨ વર્ષની દીકરી પણ તેની સાથે હતા. તેણે બૂમો પાડતા નજીકમાંથી પસાર થઈ રહેલા કેટલાક લોકોએ એમ્બ્યુલન્સ અને હોસ્પિટલમાં ફોન કર્યો હતો, પરંતુ કોઈ મદદ મળી નહોતી. શારીરિક શિક્ષણના શિક્ષિકા શોભા પ્રકાશ તે જ સમયે સ્કૂલે જવા માટે બસ પકડવા ત્યાં પહોંચ્યા હતા. ‘ડિલિવરી કેવી રીતે થાય છે તે વિશે મને સહેજ પણ જાણ નહોતી.

પરંતુ તે સમયે સ્થળ પર ઉપસ્થિત કાર્તિક નામના યુવકે મારી વાત મુંબઈના ડોક્ટર સાથે કરાવી હતી. તેમણે મને પ્રક્રિયા બાબતે માર્ગદર્શન આપ્યું હતું’, તેમ શોભા સાથે વાતચીત કરતાં કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ‘મને સૌથી વધારે એ વાતનું દુઃખ થયું કે, ત્યાં ઉપસ્થિત કેટલીક મહિલાઓ અમને જાેઈ રહી હતી અને જ્યારે મદદ માટે મેં કહ્યું ત્યારે કોઈ આગળ આવ્યું નહીં. શરુઆતમાં હું ડરી ગઈ હતી. પરંતુ મેં મદદ કરવાનું નક્કી કરી લીધુ હતું. ડોક્ટરના માર્ગદર્શનને અનુસરીને, હું બાળકને સલામત રીતે બહાર કાઢવામાં સફળ રહી હતી.

પરંતુ ગર્ભનાળ કેવી રીતે પકડવી તે જાણતી નહોતી. સદ્દભાગ્યે, તે જ સમયે એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને મેડિકલ સ્ટાફે મદદ કરી હતી. ડિલિવરી દરમિયાન મહિલાની બે વર્ષની દીકરી તેની પાસે રહી હતી. તે તેને છોડીને જવા માટે તૈયાર નહોતી’, તેમ શોભાએ જણાવ્યું હતું. શોભા બાદમાં હોસ્પિટલમાં મા અને બાળકીના ખબર-અંતર પૂછવા માટે ગઈ હતી અને ૨ હજાર રૂપિયા પણ આપ્યા હતા. જિલ્લા પ્રાથમિક શાળા સ્કૂલ શિક્ષક સંગઠને પણ મદદ માટે હાથ આગળ કર્યો હતો. ‘મા અને બાળક બંને સ્વસ્થ છે. ડિલિવરી બહાર થઈ હોવાથી અમે સતત બાળકીના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છીએ’, તેમ ચેલુવમ્બા હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડો. પ્રમીલાએ કહ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.