ફોર વ્હીલર લઈ આવેલ બકરા ચોર ટોળકીથી પશુપાલકોમાં ફફડાટ

આમોદના આછોદ ગામે ઘરની બહાર બાંધેલા બકરાઓને છોડી તસ્કરો ગાડીમાં લઈ ફરાર.
(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લામાં કાર લઈને આવતી તસ્કર ટોળકીના કારણે પશુપાલકો ચિંતિત બન્યા છે.આમોદ તાલુકાના આછોદ ગામે ફોર વ્હીલર લઈને આવેલા તસ્કરો ઘર બહાર બાંધેલી બકરીઓ ચોરી જતા ચકચાર મચી ગઈ છે.CCTV કેમેરામાં ૪ બકરા ચોર ૭ બાંધેલી બકરીઓ છોડીને કારમાં લઈ જતા કેદ થઈ ગયા હતા.
ભરૂચ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પશુ તસ્કરીના બનાવો સામે આવી રહ્યા છે.ફોર વ્હીલ કાર લઈને આવતા પશુ તસ્કરોએ હવે પશુ પાલકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે.રાત્રીના અંધારામાં નીકળતી પશુ તસ્કરી ગેંગના કારનામા હવે આમોદ તાલુકામાં ગુંજી રહ્યા છે.
આમોદ તાલુકાના આછોદ ગામ ખાતેના એક વિસ્તારમાં ફોર વ્હીલ કારમાં સવાર થઈને આવેલા તસ્કરોએ એક બાદ એક મકાનની બાહર બાંધેલા સાત જેટલા બકરાઓની બિન્દાસ અંદાજમાં ચોરી કરી પલાયન થઈ જતા પશુ પાલકોમાં ભારે ખળભળાટ મચ્યો છે.જોકે તસ્કરોની તમામ કરતૂતો નજીકમાં લાગેલ સીસીટીવીમાં કેદ થતા સમગ્ર મામલે આમોદ પોલીસે ફૂટેજના આધારે તપાસના ધમધમાટ શરૂ કર્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.
મહત્વની બાબત છે કે આમોદ અને જંબુસર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભુતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે.તેમ છતાં પશુ તસ્કરોએ વધુ એક ઘટનાને અંજામ આપતા હવે પશુપાલકોને રાતે પશુઓને સાચવવા પહેરો ભરવો પડે કે અન્ય સલામત સ્થળે બાંધવા પડે તેવા સંજોગો ઉભા થયા છે.બિન્દાસ અંદાજમાં પશુઓની ચોરી કરી પલાયન થતા ત્રણથી ચાર અજાણ્યા ઈસમોની કરતૂતો બાદથી પશુ પાલકોમાં પણ ભયનો માહોલ છવાયો છે.