ફ્રાન્સથી આવેલા દંપતી પાસે ૨.૮ કરોડના આઈફોન મળ્યા
બેંગલુરુ: વિદેશથી આવતા લોકો પોતાની સાથે ગેરકાયદે રીતે ગોલ્ડ લઈને આવ્યા હોય તેવા તો તમે અનેક કિસ્સા સાંભળ્યા હશે, પરંતુ હવે દાણચોરી માત્ર સોના પૂરતી મર્યાદિત નથી રહી.
બેંગલુરુ એરપોર્ટ પર ફ્રાંસથી આવેલા એક કપલની બેગ કસ્ટમના અધિકારીઓએ ચેક કરી ત્યારે તેમાંથી ૨.૮ કરોડના એવા પાર્સલ નીકળ્યા કે જેને જાેઈ અધિકારીઓ પણ માથું ખંજવાળવા લાગ્યા.
મૂળ ભારતીય અને અમેરિકન પાસપોર્ટ ધરાવતું કપલ એર ફ્રાન્સની ફ્લાઈટમાં શનિવારે બેંગલુરુ લેન્ડ થયું હતું. તેમની પાસેથી ૩૭ જેટલા બેંક કાર્ડ પણ જપ્ત કરાયા છે. સૂત્રોનું માનીએ તો, ૪૯ વર્ષીય પુરુષ અને તેની ૩૮ વર્ષની પત્નીના સામાનની ઝડતી લેતી વખતે તેમાંથી ૨૦૬ જેટલા કાળા કલરના નાના બોક્સ નીકળ્યા હતા. જેમાં આઈફોન ૧૨ પ્રો અને પ્રો મેક્સ ફોન હતા. ભારતમાં આ ફોનની જેટલી કિંમત છે તેના આધારે જપ્ત કરાયેલા ફોનનું મૂલ્ય ૨.૭૪ કરોડ જેટલું થવા જાય છે.
આ કપલ મુંબઈથી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ ફ્રાંસ જવા રવાના થયું હતું અને ત્યાંથી પોતાની સાથે ૨૦૬ જેટલા આઈફોન લાવ્યું હતું. પૂછપરછ દરમિયાન તેમણે કબૂલ્યું હતું કે તેઓ આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટ વતી કામ કરતા હતા, જેની બેંગલુરુમાં મજબૂત લિંક હતી.
જે ફોન દાણચોરી કરી લવાયા તેમનું ભારતમાં ગેરકાયદે રીતે વેચાણ થવાનું હતું. કપલે ફોનની હેરફેર માટે મારુતિ એર્ટિગા કાર પણ રાખી હતી, જેને પણ જપ્ત કરાઈ છે. રવિવારે આ કપલને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયું હતું. તેમને હાલ ૧૨ માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.