Western Times News

Gujarati News

ફ્રાન્સમાં સતત બીજા દિવસે ૧૩૦૦૦થી વધુ કેસ નોંધાયા

સંક્રમણને રોકવા સતત હાઈ લેવલ મિટિંગનો દોર-ફ્રાન્સમાં ફરીથી વધી રહ્યા છે કોરોનાના નવા કેસ, છેલ્લા ૪ દિવસથી રોજ ૧૦ હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે
પેરિસ,  યુરોપમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. બ્રિટન બાદ હવે ફ્રાન્સમાં પણ કોરોનાની સેકન્ડ વેવ જોવા મળી રહી છે. શનિવારે દેશમાં કોરોનાના ૧૩,૫૦૦થી વધારે નવા કેસ સામે આવ્યા. તેમાં ફ્રાન્સના અર્થવ્યવસ્થા મંત્રી બ્રુનો લી મેરી પણ સામેલ છે. તેમણે ટ્‌વીટ કરીને પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી. આ સતત બીજો એવો દિવસ છે જ્યારે સંક્રમણના ૧૩,૦૦૦થી વધારે નવા કેસ સામે આવ્યા છે.

ફ્રાન્સની સ્વાસ્થ્ય એજન્સીએ શુક્રવારે જણાવ્યું કે, દક્ષિણ ફ્રાન્સના એસોન ક્ષેત્રમાં એક હોસ્પિટલમાં મોટી સંખ્યામાં નવા કેસો સામે આવી રહ્યા છે. સંક્રમણને રોકવા માટે સ્વાસ્થ્ય અધિકારીઓ સતત હાઈ લેવલ મીટિંગ કરી રહ્યા છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ આ માટે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ફ્રાન્સને આ મહામારી વિશે ચિંતિત થવાની જરૂર છે. અહીં ૧૦૦૦થી વધારે એવા ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે, જ્યાંથી સંક્રમણના કેસ વધારે સામે આવી રહ્યા છે. મહામારીથી અત્યાર સુધી અહીં ૩૧,૨૭૪ લોકોના મોત થઈ ચૂક્યા છે.

પાછલા ૨૪ કલાકમાં જ ૨૬ લોકોના મોત થયા છે. ફ્રાન્સમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ ૪,૪૨,૧૯૪ કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી ૩૧,૨૭૪ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ૯૧,૫૭૪ લોકો સાજા થઈ ચૂક્યા છે. પાછલા ચાર દિવસથી ફ્રાન્સમાં રોજના નવા ૧૦૦૦૦થી વધારે કોરોનાના કેસ મળી રહ્યા છે. જે બાદ ઘણા વિસ્તારોમાં લોકડાઉનના નિયમોને કડક કરી દેવામાં આવ્યા છે. ઘણા ભાગોમાં લોકોના એકઠા થવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં પણ કોરોનાના કેસો વધતા બીજું લોકડાઉન લાગૂ કરવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. ભારતની વાત કરીએ તો સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૯૨,૬૦૫ કોરોનાના કેસ આવ્યા છે. જ્યારે ૧૧૩૩ લોકોના મોત થઈ ગયા છે. આ સાથે કુલ કેસનો આંકડો ૫૪,૦૦,૬૨૦ થઈ ગયો છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ૧૦,૧૦,૮૨૪ છે અને ૪૩,૦૩,૦૪૪ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. સાથે જ ૮૬,૭૫૨ લોકોના મોત થયા છે. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.