ફ્રીમાં માસ્ક આપી રહી છે અમદાવાદ પોલીસ
અમદાવાદ: કોરોના વાયરસને વધુ ફેલાતો અટકાવવા માટે ઘર બહાર નીકળો ત્યારે માસ્ક પહરેવું ફરજિયાત છે. જાે કોઈ વ્યક્તિ માસ્ક વગર ઝડપાય તો તેની પાસેથી ટ્રાફિક પોલીસ ૨૦૦ રૂપિયાનો દંડ વસૂલે છે. તેમ છતાં ઘણાય લોકો એવા છે જેમને નિયમોની કોઈ પડી નથી અને માસ્ક પહેર્યા વગર રસ્તા પર રખડ્યા કરે છે. ત્યારે અમદાવાદ પોલીસે એક પહેલની શરૂઆત કરી છે. જે મુજબ જે પણ માસ્ક પહેર્યા વગર રખડતા ઝડપાઈ રહ્યા છે પોલીસ તેમને માસ્ક આપી રહી છે.
શુક્રવારે ઝોન-૩ના ડેપ્યુટી પોલીસ કમિશનર મકરંદ ચૌહાણને આશરે ૨૫ હજાર જેટલા માસ્ક ફાળવવામાં આવ્યા હતા. જે વ્યક્તિ માસ્ક પહેર્યા વગર પોલીસના હાથથી ઝડપાશે તેને દંડ ફટકાર્યા બાદ તે માસ્ક ફ્રીમાં આપવામાં આવશે. આ પહેલનો હેતુ કોરોના મહામારી સામેની લડાઈમાં માસ્કના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. વડોદરામાં પણ પોલિસે માસ્ક વગર બહાર નિકળતા લોકોને તેમજ ફેરીયાઓને માસ્ક શુક્રવારે આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અને શહેર પોલીસે બહાર નીકળતી વખતે માસ્ક ન પહેરનારાઓને દંડ ફટકારવાની એક ઝુંબેશ શરુ કરી છે. પોલીસ અને ટ્રાફિક વિભાગે અમદાવાદીઓ પાસેથી અત્યારસુધીમાં કુલ ૧.૯૮ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. ‘અમારી પાસે માસ્કનો સ્ટોક છે. આ માસ્ક જેની પાસેથી દંડ વસૂલાશે તેમને આપવામાં આવશે’, તેમ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કહ્યું. ‘અમે ટૂંક સમયમાં સંસ્થાઓ પાસેથી વધુ માસ્ક ખરીદીશું તેમજ જાગૃતિ કાર્યક્રમ અને દંડ ફટકારવાનું ચાલુ રાખીશું’.
ભાટિયાએ કહ્યું કે, નિયમ ભંગ કરનાર પાસેથી ૨૦૦ રૂપિયા દંડની રકમ લીધા બાદ જે-તે વ્યક્તિને ફ્રીમાં માસ્ક આપવામાં આવશે. જ્યારે માસ્ક ન પહેરનાર પાસેથી ૫૦૦ રૂપિયા વસૂલે છે. ભાટિયાએ કહ્યું કે, લોકોની સુખાકારીને ધ્યાનમાં લઈને પોલીસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.