ફ્રી ફાયર ગેમમાં પૈસા ખૂટ્યા તો મમ્મીનાં ઘરેણાં, પિતાની ગોલ્ડ ચેઇન અને 20 હજારની રોકડ ચોરી કરી
છતરપુર, MPમાં ઓનલાઇન ગેમની સાઇડ ઇફેક્ટ્સ વધી રહી છે, ખાસ કરીને બાળકોમાં. આવો જ એક ગંભીર કિસ્સો છતરપુરમાં સામે આવ્યો છે, જ્યાં ફ્રી ફાયર ગેમની લતને કારણે બે બાળકોએ પોતાનાં જ ઘરમાં ચોરી કરી છે. એમાંથી એક બાળકે તો પોતાના ઘરમાંથી માતાનો સોનાનો હાર અને પિતાની ગોલ્ડ ચેઇન ચોરી હતી. બાળકોનો આ ઘરેણાં વેચવાનો પ્લાન હતો, પણ એ પહેલાં જ તેમની ચોરી પકડાઈ ગઈ.
આ કિશોરોની ઉંમર 16 અને 12 વર્ષ છે. મોબાઈલ રિચાર્જ કરવા માટે આ બંનેએ પોતાના જ ઘરેથી 20 હજાર રુપિયા પણ ચોર્યા હતા. પરિવારજનોને ખ્યાલ આવ્યો ત્યાં સુધી તો તેમણે મોબાઈલમાં 14 હજારનું રિચાર્જ કરાવી લીધું હતું.
બંને કિશોરો પાડોશી છે અને પાક્કા મિત્ર પણ છે. કોરાનાકાળ દરમિયાન બંને સાથે ઓનલાઈન ક્લાસ એટન્ડ કરતા હતા. ક્લાસ માટે મળેલા મોબાઈલનો દુરુપયોગ કરીને બંને ફ્રી ફાયર ગેમ રમવાનું શરૂ કર્યું. બંનેને ત્યાર પછીથી ગેમની એવી લત લાગી કે ગેમ માટે ચોરી પણ કરવા લાગ્યા.
ઘરમાં સતત થતી ચોરીઓને જોતાં પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી, એની તપાસમાં કિશોરોનાં આ કરતૂત સામે આવ્યાં. રિકોર્ડિગમાં ખ્યાલ આવ્યો કે કિશોરોએ જ પોતાના ઘરમાંથી ચોરી કરી છે. 12 વર્ષીય કિશોરે સપ્ટેમ્બર 2021માં પોતાના ઘરમાંથી માતાનો 4 તોલાનો હાર અને પિતાની ગોલ્ડ ચેઈન ચોરી હતી. બંને પોતાના ઘરેથી અત્યારસુધીમાં 20 હજાર રૂપિયા ચોરી ચૂક્યા છે.
ફ્રી ફાયર ગેમમાં 10 મિનિટની મેચ હોય છે. યુઝર્સને નવાં-નવાં હથિયારો ખરીદવાની તક મળતી હોય છે. ફ્રી ફાયરને મિત્રો સાથે મળીને રમાઈ શકે છે. ટીમ સાથે રમવું યુઝર્સને ગમે છે. ગેમમાં હથિયારો અપડેટ કરવા માટે પૈસા આપવા પડે છે.
ગૂગલના પ્લે સ્ટોરમાં કેટલીક એપ છે, જે પેરન્ટ્સ માટે બાળકોના મોબાઈલ વપરાશ માટે કેટલાક કન્ટ્રોલ રાખવાની સુવિધાઓ પૂરી પાડે છે. વાલીઓએ બાળકો માટે ગેમ રમવાનો સમય નક્કી કરવો જોઇએ. અડધો કલાકથી વધુ ગેમ ન રમવા આપો.