ફ્રૂૂટના વેપારીની હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી
બનાસકાંઠા: ડીસાના એક ફ્રૂટના વેપારીની થરાદ પાસે નર્મદા કેનાલમાંથી લાશ મળી આવી છે. વેપારીને ગળે ટૂંપો આપી હાથ બાંધી દઇ કેનાલમાં ફેંકી દેતા થરાદ પોલીસે મામલે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક ફ્રૂટના વેપારીને ગળે ટૂંપો આપી દઈ તેની લાશને કેનાલમાં ફેંકી દીધી હોવાની ઘટના સામે આવી છે. ડીસામાં રાજીવ ગાંધી કોમ્પલેક્ષમાં ફ્રુટનો વ્યવસાય કરતા સંજય ઉર્ફે સંતોષ પરમાર અવારનવાર ફ્રૂટની ખરીદી માટે થરાદ તરફ જતા આવતા હતા
તેમજ ગઈકાલે રાત્રે પણ તેઓ ઘરેથી સ્વિફ્ટ કારમાં ૪૦ લાખ રૂપિયાની કેશ લઈને દાડમની ખરીદી કરવા માટે થરાદ જવા નીકળ્યા હતા. જાેકે મોડી રાત્રે તેમની પત્ની સાથે વાતચિત થયા બાદ તેમનો મોબાઈલ બંધ થીજતા તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. જેથી તેમના પરિવારજનોએ થરાદ તરફ તેમની શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડીરાત સુધી સંતોષભાઈનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો.
જ્યારે આજે વહેલી સવારે થરાદ પાસે કેનાલમાંથી તેમની લાશ મળી આવી હતી. અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે તેમને ગળે ટૂંપો આપી દઇ હત્યા કરી તેમના હાથ દોરડાથી બાંધી લાશને કેનાલમાં ફેંકી દીધી હોવાનું જણાવ્યું હતું તેમજ તેમની કાર અને ૪૦ લાખ રૂપિયા પણ ગાયબ હતા, જે મામલે પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.