ફ્લાઈટ અને હોટલોના ભાડાં આસમાને પહોંચ્યા
અમદાવાદ, ૩૦મી ઓગસ્ટ સોમવારના રોજ જન્માષ્ટમીનો તહેવાર હોવાને કારણે લોકોને શનિ, રવિ અને સોમની ત્રણ સળંગ રજા મળી ગઈ છે. આ રજાઓનો ફાયદો ઉઠાવવા માટે લોકો મોટા પ્રમાણમાં ફરવા ઉપડી રહ્યા છે. ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર, ગત સપ્તાહ સુધી બુકિંગ ઘણાં ઓછા થયા હતા, પરંતુ હવે એકાએક લોકોએ ઈન્ક્વાયરી કરવાની શરુઆત કરી છે અને બુકિંગ પણ થઈ રહ્યા છે.
પોતાના રોજબરોજના જીવનથી કંટાળેલા લોકો ગુજરાતથી નજીક હોય તેવા સ્થળો પર રોડ ટ્રિપનું પણ આયોજન કરી રહ્યા છે, જેમ કે દમણ, સિલવાસા, દીવ, માઉન્ટ આબુ, ઉદેપુર અને કુંભલગઢ. આટલું જ નહીં, ગોઆ, જયપુર, જાેધપુર અને જેસલમેરના બુકિંગ પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે.
અંતિમ સમયે લોકોએ બુકિંગ કરવાની શરુઆત કરતા જયપુર, જાેધપુર અને ગોવાની રાઉન્ડ ટ્રિપ ફ્લાઈટની ટિકિટની કિંમતમાં ૪૦થી ૧૪૦ ટકાનો વધારો જાેવા મળ્યો છે. ટૂર ઓપરેટર્સ એન્ડ ટ્રાવેલ એજન્ટ્સ અસોસિએશન ઓફ ગુજરાતના અધ્યક્ષ અનુજ પાઠક જણાવે છે કે, ટૂરિસ્ટ ડેસ્ટિનેશનના બુકિંગમાં થયેલા વધારાને કારણે આ ક્ષેત્ર સાથે જાેડાયેલા લોકોને પણ રાહત થશે અને લાગી રહ્યું છે કે લોકોમાં હવે બહાર નીકળવાનો ભય ઓછો થયો છે.
લોકોને લાંબા સમય પછી લાંબી રજાઓ મળી છે માટે ત્રણ રાત અને ચાર દિવસના પેકેજની માંગ ઘણી વધી છે. લોકો સારા રિસોર્ટમાં રહીને પોતાના પરિવાર સાથે સારો સમય પસાર કરવાનું પસંદ કરે છે.
ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમીના દિવસે જુગાર રમવાની પ્રથા વર્ષોથી ચાલતી આવે છે. અત્યારે હોંગ કોંગ, મકાઉ અને લાસ વેગસ જેવા આંતર્રાષ્ટ્રીય સ્થળો પર કોરનાને કારણે પ્રતિબંધો છે ત્યારે કાર્ડ રમવાની ઈચ્છા ધરાવતા લોકો ગોવા તરફ જઈ રહ્યા છે. ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ગુજરાતના ચેરમેન મનિષ શર્મા જણાવે છે કે, ૧૦મી ઓગસ્ટથી ગોવા પર્યટકો માટે ખોલવામાં આવ્યું છે.
ગોવામાં પ્રવેશ કરતી વખતે ઓછામાં ઓછા ૧૪ દિવસ પહેલા રસીના બન્ને ડોઝ લઈ લીધા હોય તેનું પ્રમાણપત્ર અથવા તો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવવો જરુરી છે. કોરોનાના આ પ્રતિબંધો હોવા છતાં મોટી સંખ્યામાં પર્યટકોએ ગોવા જવાની યોજના બનાવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, દીવ, દમણ, સાસણ ગીર, સાપુતારા, પોલો ફોરેસ્ટ, ઉદયપુર, જયપુર, કુંભલગઢ, જાેધપુર, જૈસલમેર વગેરે સ્થળોની હોટલો લગભગ હાઉસફુલ છે.
અમદાવાદની એક ટ્રાવેલ કંપનીના માલિક અંકિત બજાજ જણાવે છે કે, ૨૩ ઓગસ્ટ પછી પ્રખ્યાત સ્થળોની હોટલો લગભગ ફુલ થઈ ગઈ છે. જેથી કહી શકાય કે લોકોએ અંતિમ સમયે ફરવા જવાના પ્લાન બનાવ્યા છે. આ કારણે રુમના ભાડામાં પણ ૪૦ ટકા જેટલો વધારો નોંધાયો છે.SSS