Western Times News

Gujarati News

ફ્લાઈટ ડેટા રેકોર્ડર-કોકપિટ વોઈસ રેકોર્ડર મળ્યાઃ રાજનાથ

નવી દિલ્હી, તમિલનાડુમાં ૦૮ ડિસેમ્બરના રોજ ક્રેશ થયેલા મિલિટરી હેલિકોપ્ટરમાં લશ્કરની ત્રણેય પાંખના ટોચના અધિકારી જનરલ બિપિન રાવત સહિત ૧૩ લોકોના મોત મામલે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘે આજે સંસદને માહિતી આપી હતી.

આ દુર્ઘટના કેવી સ્થિતિમાં થઈ તેમજ તેમાં મોતને ભેટેલા લોકો અને જીવતા બચી ગયેલા એકમાત્ર અધિકારીની હાલની સ્થિતિ અંગે સંરક્ષણ મંત્રીએ સંસદને જણાવ્યું હતું. સંરક્ષણ પ્રધાને પોતાની વાત પૂરી કરી ત્યારબાદ લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા પણ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ઉપરાંત ઘાયલ અધિકારી ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સંસદે મૃતકોના માનમાં મૌન પણ પાળ્યું હતું.

રાજનાથે સંસદને કહ્યું હતું કે, બુધવારે સવારે હેલિકોપ્ટરે ૧૧.૪૮ કલાકે સુલુર એરબેઝ પરથી ઉડાન ભરી હતી. ૧૨.૧૫ કલાકે તે વેલિંગ્ટન મિલિટરી કોલેજમાં લેન્ડ થવાનું હતું. જાેકે, સુલુર એરબેઝના ટ્રાફિક કંટ્રોલર સાથેનો સંપર્ક ૧૨.૦૮ કલાકે કપાઈ ગયો હતો. તે જ વખતે કુન્નુર પાસે જંગલમાં કેટલાક સ્થાનિકોએ આગની જ્વાળાઓ જાેઈ હતી. જ્યારે તેઓ ભાગીને તે સ્થળે પહોંચ્યા ત્યારે તેમને એક મિલિટરી હેલિકોપ્ટર આગની જ્વાળાઓમાં લપેટાયેલું જાેવા મળ્યું હતું. સ્થાનિક તંત્ર દ્વારા એક રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.

તેમણે ક્રેશ સાઈટ પરથી ઘાયલ લોકોને બચાવવા માટે પણ પ્રયાસ કર્યો હતો. હેલિકોપ્ટરના અવશેષોમાંથી જેટલા પણ લોકોને કાઢી શકાયા તે તમામને વેલિંગ્ટન મિલિટરી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

હેલિકોપ્ટરમાં કુલ ૧૪ લોકો સવાર હતા, જેમાંથી ૧૩ લોકોના મોત થયા હતા. જેમના મોત થયા તેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત, ગેડિયર લખવિન્દર સિંઘ લિડ્ડર, લે. કર્નલ હરજિન્દર સિંઘ ઉપરાંત એરફોર્સ હેલિકોપ્ટરમાં આર્મ્‌ડ ફોર્સિસના અન્ય નવ લોકોનો પણ સમાવેશ થાય છે. અન્ય મૃતકોમાં વિંગ કમાન્ડર પૃથ્વીસિંહ ચૌહાણ, સ્કવોર્ડન લીડર કુલદીપ સિંઘ, જુનિયર ઓફિસર રાણા પ્રતાપ દાસ, આરક્કલ પ્રદીપ, હરવિંદર સતપાલ રાય, નાયક ગુરુસેવક સિંઘ, નાયક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાયક વિવેક કુમાર અને પી. સાઈ તેજા સામેલ છે.

આ દુર્ઘટનામાં જીવીત બચી જનારા ગ્રુપ કેપ્ટન વરુણ સિંઘ હાલ વેલિંગ્ટન મિલિટરી હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. તેમને બચાવવાની દરેક સંભવ કોશીશ કરવામાં આવી રહી હોવાનું પણ રાજનાથ સિંહે સંસદને જણાવ્યું હતું.

આ ઉપરાંત, તમામ મૃતકોને આજે એરફોર્સના પ્લેનમાં દિલ્હી લવાશે અને જનરલ રાવતના સંપૂર્ણ મિલિટરી સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે તેવી માહિતી પણ તેમણે આપી હતી. એરચીફ માર્શલ વી.આર. ચૌધરીને દુર્ઘટનાની માહિતી મળતા જ તમિલનાડુ રવાના કરવામાં આવ્યા હતા. તેમણે ઘટનાસ્થળ અને વેલિંગ્ટન હોસ્પિટલ જઈને સ્થિતિનો તકાજાે મેળવ્યો હતો.

તમિલનાડુમાં ગઈકાલે ક્રેશ થયેલા જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ એરફોર્સના અધિકારીઓએ શોધી કાઢ્યું છે. આ જ હેલિકોપ્ટરમાં બિપિન રાવત અને તેમના પત્ની સહિત ૧૩ લોકોના મોત થયા હતા, જ્યારે રેસ્ક્યુ કરાયેલા એરફોર્સના એક અધિકારી મિલિટરી હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે.

એમઆઈ-૧૭વી૫નાં ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઈસ રેકોર્ડર આજે ક્રેશ સાઈટ પાસેથી મળી આવ્યા હતા. એક અધિકારીના જણાવ્યા અનુસાર, બ્લેક બોક્સ ક્રેશ સાઈટથી ૩૦૦ મીટર દૂર સર્ચ દરમિયાન મળી આવ્યું હતું. બ્લેક બોક્સ દ્વારા જ હેલિકોપ્ટર ક્રેશ થયું તે પહેલા શું બન્યું હતું તેનો તમામ ડેટા મેળવી શકાશે.

ઉલ્લેખનીય છે કે, જંગલ વિસ્તારમાં બનેલી આ દુર્ઘટના માટે ખરાબ હવામાનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. તે સમયે બપોરે પણ એટલું બધું ધુમ્મસ હતું કે વિઝિબિલિટી સાવ ડાઉન થઈ ગઈ હતી. હેલિકોપ્ટર ક્રેશ થયું તે પહેલાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં હેલિકોપ્ટર ચોતરફથી ધુમ્મસથી ઘેરાયેલું જાેઈ શકાય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.