ફ્લેટમાં રહેતી મહિલાએ ૭મા માળેથી કૂદી આપઘાત કર્યો

Files Photo
વડોદરા: વડોદરા જિલ્લામાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. આ વખતે એક સુખી ઘરની પરિણીતાએ પતિ સાથે નજીવી બાબતના ઝગડામાં સાતમા માળેથી કૂદી મોતની છલાંગ લગાવી દેતા પુરા પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના મકરપુરા માણેજા જીજી માતાના મંદિર સામે આવેલા એક લક્ઝરીયસ ફ્લેટમાં રહેતી સુખી ઘરની પરિણીતાએ પતિ સાથે કુલરમાં પાણી ભરવા બાબતના સામાન્ય ઝગડામાં, લાગી આવતા સાતમા માળેથી છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. આ મામલે પોલીસને જાણ થતા અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા, અને આપઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, મકરપુરા પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ મૂળ હૈદરાબાદની વતની વૈશાલીના લગ્ન સાડા ત્રણ વર્ષ પૂર્વે પુનના સૌરભ દેશમુખ સાથે થયા હતા અને ત્યારબાદ દંપતી વડોદરા શહેરના માણેઝા જીજામાતાના મંદિર સામે આવેલ બકેશ્વર ફ્લેટના સાતમા માળે રહેવા આવ્યા હતા. આ દરમ્યાનમાં બુધવારે મોડી રાતે કુલરમાં પાણી ખૂટી જતા સોરભે પત્ની વૈશાલીને કુલરમાં પાણી ભરવાનું કહ્યુ હતુ પરંતુ, વૈશાલીને કુલરમાં પાણી ભરતા આવડતું ના હોઈ સોરભે વૈશાલીને ઠપકો આપ્યો હતો.
બસ આ વાત વૈશાલીને લાગી આવતા વૈશાલીએ સાતમા માળેથી મોતની છલાંગ લગાવી હતી, જેમાં તેનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. આ ઘટના મોડી રાત્રે લગભગ ૨થી ૩ના સમયમાં બની હતી. આ ઘટનાની જાણ મકરપુરા પોલીસને થતા મોડી રાતે સ્થળ પર પહોંચી ગઈ હતી. આ મામલો ખુદ ડીસીપીએ સંભાળી લીધો હતો. શું માત્ર નજીવી બાબતમાં આપઘાત કર્યું છે કે કોઈ અન્ય કારણ પણ છે?
ડીસીપીએ ખુદ કેસ સંભાળી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા વડોદરાના બાજવાના કરચિયા પાસે આવેલી આમ્રપાલી સોસાયટીના મકાન નંબર-૨૪માં રહેતા અને વકીલાતનો અભ્યાસ કરેલા શિરીષ હસમુખભાઈ દરજીએ પોતાના જ ઘરમાં રૂમનો દરવાજાે અંદરથી બંધ કરી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસે ઘરમાં તપાસ કરતા એક સુસાઇડ નોટ મળી આવી છે.