ફ્લેટ પચાનાર કોન્સ્ટેબલ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો
રાજકોટ, શહેર પોલીસમાં વર્ષોથી ફરજ બજાવતા કોન્સ્ટેબલ ગૌતમ જેમલભાઈ વાઘેલાએ ફલેટ ભાડેથી રાખીને પચાવી પાડ્યા બાદ અંતે રવિવારે પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાતા ચકચાર મચી ગઇ હતી. કોન્સ્ટેબલે ભાડે ફ્લેટ મેળવ્યા બાદ ભાડું ચૂકવવાનું બંધ કરી દીધું હતું અને અંતે કબજાે પણ જમાવી દીધો હતો.
પોલીસે કોન્સ્ટેબલને સકંજામાં લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કાલાવડ રોડ પર મોટામવા પાછળ મીરા માધવ એપાર્ટમેન્ટની સામે રહેતા બિલ્ડર દિલીપભાઇ રતિભાઇ વાઢેરે (ઉ.વ.૬૦) ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોલીસ કોન્સ્ટેબલ ગૌતમ જેમલ વાઘેલાનું નામ આપ્યું હતું.
રૈયા રોડ પર અમરનાથ એપાર્ટમેન્ટમાં તેમની માલિકીનો ફ્લેટ વર્ષ ૨૦૧૯માં કોન્સ્ટેબલ ગૌતમને ૧૧ મહિના માટે રૂ.૧૨ હજારના ભાડે ફ્લેટ આપ્યો હતો. દિલીપભાઇએ ફ્લેટનો કબજાે સોંપ્યા બાદ એકાદ મહિનો ગૌતમે ભાડું ચૂકવ્યું હતું ત્યારબાદ ભાડું આપવાનું બંધ કરી દીધું હતું, દિલીપભાઇ દ્વારા અનેક વખત ભાડાની ઉઘરાણી કરવામાં આવી હતી તો ગૌતમ શરૂઆતમાં ગલ્લાં તલ્લાં કરતો હતો અને અંતે ભાડું આપવાનો ઇનકાર કરી દીધો હતો.
૧૧ મહિનાનો કરાર પૂરો થતાં દિલીપભાઇએ ફ્લેટ ખાલી કરી આપવાનું કહ્યું હતું, પરંતુ ગૌતમે ફ્લેટ ખાલી કર્યો નહોતો, અંતે દિલીપભાઇએ ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કોન્સ્ટેબલ ગૌતમ વાઘેલાને ઉઠાવી લીધો હતો.
ગૌતમની ગત જૂન મહિનામાં મોરબીથી ડાંગ બદલી થઇ હતી પરંતુ હાજર થયો ન હતો. ગૌતમ વાઘેલા અગાઉ રાજકોટ શહેર પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ તે સતત વિવાદમાં રહેતો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગૌતમ વાઘેલાને એસીબીએ લાંચ કેસમાં પકડ્યો હતો, તેમજ કરણપરામાં આવેલા એક મકાનમાં ઘૂસી મહિલા પર ર્નિલજ્જ હુમલો કરવા મામલે પણ તેની સામે અગાઉ ગુનો નોંધાયો હતો, તેમજ પંદરેક દિવસ પૂર્વે આજી ડેમ નજીક પરપ્રાંતીય યુવક પર હુમલો કરવાના ગુનામાં તેની ધરપકડ થઇ હતી. આમ રક્ષક જ ભક્ષક જેવો બનતા અંતે કાયદાએ તેની શાને ઠેકાણે લાવી છે.SSS