બંગલામાં ચોરી કરવા આવેલ તસ્કર CCTV માં કેદ થયો
સુરત: સુરતના શહેરના છેવાડે આવેલ સભોલી સિંગણપોર વિસ્તારમાં તસ્કરોનો આંતક સામે આવ્યો છે. અહીં રહેતા એક એનઆરઆઈ વૃદ્ધ દંપતીના મકાનને ચોર ટોળકીએ નિશાન બનાવ્યું હતું. ટોળકીએ મકાનના બારીની ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન મકાન માલિક જાગી જતા ટોળકી ભાગી છૂટી હતી. ધાડપાડુ ગેંગના પાંચ સભ્યો અહીં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે.
પોલીસે સીસીટીવીના આધારે તમામને ઝડપી લેવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. સુરતમાં ગુનાખોરીના સતત બનાવો બની રહ્યા છે. હાલ કોરોનાને પગલે રાત્રે આઠ વાગતા શહેરના રસ્તાઓ પર કર્ફ્યૂ લાગી જાય છે. આ સમયે લોકો પોતાના ઘરમાં જતા રહે છે.
આ તકનો ગેરલાભ લઇને તસ્કરો બેફામ બન્યા છે. સુરતના છેવાડે આવેલા ડભોલી સિંગણપોર વિસ્તારમાં વેડ ગામમાં એકલા રહેતા એનઆરઆઈ વૃદ્ધ દંપતીના બંગલામાં ગતરોજ એક બે નહીં પરંતુ પાંચ જેટલા ઈસમોએ બારીની ગ્રીલ તોડીને પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મકાન મલિક જાગી જતા તેમને બૂમાબૂબ કરતા આ ઈસમો ભાગી છૂટ્યા હતા.
ચોરી કરવા આવેલા ઈસમો ધાડપાડુ ગેંગના સભ્યો હોવાનું સામે આવ્યુ છે. આ ઈસમો બંગલાના સીસીટીવીમાં કેદ થઇ ગયા છે. આ મામલે બંગલા માલિકે પોલીસ ફરિયાદ કરતા પોલીસ દોળતી થઇ હતી અને સીસીટીવીની મદદ થી આરોપીઓને ઝકડી પાડવાની કવાયત હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે આ દંપતી આમ તો અમેરિકામાં રહેતું હતું પણ બંગલા માલિકને પેરાલિસિસીનો હુમલો આવ્યો હોવાથી વૃદ્ધ દંપતી ભારત આવીને છેલ્લા ચાર વર્ષથી સુરત મોટીવેડ દરગાહ પાસે પોતાના ખેતરમાં બનાવેલી વાડીમાં રહે છે.
ઘટનાની જાણકારી મળતા આ વૃદ્ધના પરિવારજનો તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવ્યા હતા. વૃદ્ધ દંપતી એકલું રહેતું હોવાની જાણકારી મળ્યા બાદ ટોળકીએ બંગલાને નિશાન બનાવ્યો હોવાનું પોલીસ માની રહી છે. પોલીએ આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ ધાડપાડુ ગેંગે આ જ વિસ્તારના એક બંગલામાં ચોરી કરી ગયા હતા. જેને લઈને પોલીસે તપાસ તેજ કરી છે. બીજી તરફ સતત ચોરી અને ચોરીના પ્રયાસની ઘટના બનતા પોલીસના રાત્રિ પેટ્રોલિંગ પર પણ સવાલ ઊભા થયા છે. નાઇટ કર્ફ્યૂ હોવા છતાં ચોર ટોળકી કેવી રીતે બિન્દાસ બનીને ચોરી કરી શકે? તેવી ચર્ચા છેડાઈ છે.