બંગલો ફાળવ્યો છતા મંત્રીઓ ક્વાટર્સ ખાલી નથી કરતાંઃ ધારાસભ્ય ક્વાટર્સનું રોજનું ભાડું રૂ.૧.૩૭
અમદાવાદ, ભાજપ સરકારના મંત્રીઓને મંત્રી નિવાસસ્થાનમાં આલિશાન બંગલા ફાળવવામાં આવ્યા છે તેમ છતાંય આ જ મંત્રીઓ દ્વારા હજુ સુધી એમએલએ કવાર્ટસ ખાલી કરવામાં આવ્યાં નથી. ખુદ મંત્રીઓ જ નિયમોની ઐસી તૈસી કરતાં હોય છે.
બંગલા ફાળવી દેવાયા છતાંય વિધાનસભાના સ્પિકર, ડેપ્યુટી સ્પિકર ઉપરાંત કેટલાંક મંત્રીઓએ હજુ એમએલએ કવાર્ટસ ખાલી કર્યા નથી. માર્ગ મકાન વિભાગે મંત્રીઓને કવાર્ટસ ખાલી કરવા સૂચના આપી હોવા છતાંય તેનો હજુ અમલ થઇ શક્યો નથી.
ચૂંટાયેલાં જનપ્રતિનીધીઓને નિયમાનુસાર કવાર્ટસથી માંડીને અન્ય લાભ આપવામા આવે છે. ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોને ગાંધીનગરમાં રોજના રૂા.૧.૩૭ પૈસાના ભાડાંથી કવાર્ટસ અપાય છે. ત્રણ બેડરૂમ, ડાઇનીંગ રૂમ સહિતની સુવિધા સાથેનું કવાર્ટસ આપવામાં આવે છે.
મહિને રૂા.૪૦ના ભાડાનાં કવાર્ટસમાં વિજળી, ૨૪ કલાક પાણી ઉપરાંત સોફા,પલંગ સહિત ફુલ ફર્નિચર ઉપરાંત તેમજ ટફોનની પણ સુવિધા આપવામાં આવે છે. ગાંધીનગર સ્થિત એમએલએ કવાર્ટસમાં કુલ ૧૫૯ કવાર્ટસ છે. ઉલ્લેખનીય છેકે, છેલ્લા ૫૦ વર્ષથી કવાર્ટસના ભાડામાં વધારો કરાયો નથી. નજીવા ભાડામાં ધારાસભ્યો પ્રજાના ટેક્સના પેસે લાભ મેળવી રહ્યા છે.
રૂપાણી સરકારની વિદાય બાદ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની સત્તાનુ સુકાન સંભાળ્યુ હતું. ત્યાર બાદ ભાજપ સરકારના મંત્રીઓને મંત્રી નિવાસસ્થાનમાં બંગલા ફાળવવામાં આવ્યા હતાં. આમ છતાંય મંત્રી અરવિંદ રૈયાણી, મંત્રી કુબેર ડિંડોર, મંત્રી નિમિષા સુથાર, મંત્રી રાઘવજી પટેલ, મંત્રી પ્રદિપ પરમારે એમએલએ કવાર્ટસ ખાલી કર્યા નથી. આ ઉપરાંત વિધાનસભાના સ્પિકર નિમાબેન આચાર્ય અને ડેપ્યુટી સ્પિકર જેઠા ભરવાડને બંગલો ફાળવાયો છે તેમ છતાંય કવાર્ટસ ખાલી કર્યા નથી.
અધિકારીક સૂત્રોના મતે, મંત્રીઓને એમએલએ કવાર્ટસ ખાલી કરવા સૂચના આપી દેવામાં આવી હોવા છતાંય મંત્રીઓ કે વિધાનસભાના સ્પિકર સાંભળવા જ તૈયાર નથી. આ કવાર્ટસમાં હજુ મંત્રીઓના પરિવાર-સગાઓ રહે છે. એવી ય જાણકારી મળી છે કે, એક પૂર્વ મંત્રીએ તો મત વિસ્તારનાં વિદ્યાર્થીઓને રહેવા કવાર્ટસ આપ્યુ છે. આ વિદ્યાર્થીઓ અહી પરિક્ષાની તૈયારી કરે છે. ટૂંકમાં, ખુદ મંત્રીઓ જ બંગલા અને એમએલએ કવાર્ટસ પર કબજાે જમાવીને બેઠાં છે.
પૂર્વ મંત્રીઓનો બંગલાનો મોહ હજુય ગયો નથી. રૂપાણી સરકારની અચાનક વિદાય બાદ પૂર્વ મંત્રીઓને શાળા કોલેજાેમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેવા બહાના હેઠળ બંગલા ભાડે મેળવ્યાં છે. હકીકતમાં એકેય પૂર્વ મંત્રી એવો નથી જેમના સંતાનો ગાંધીનગરની શાળા કોલેજાેમાં અભ્યાસ કરી રહ્યા હોય. આમ છતાંય રૂા.૨૦ હજારના ભાડે પુર્વ મંત્રીઓને બંગલા ફાળવી દેવાયા છે.
કરોડોની મિલકત ધરાવતાં ધારાસભ્યો એમએલએ કવાર્ટસમાં રૂા.૪૦ નજીવુ ઘરભાડું ચુકવીને પાંચ વર્ષ સુધી રહે છે. મોટાભાગના ધારાસભ્યના ભાઇ ભત્રીજા સહિત અન્ય પરિવારજનો કવાર્ટસમાં રહે છે. ગાંધીનગરમાં પ્રજાલક્ષી કે અંગત કામ માટે આવતાં ધારાસભ્ય આ કવાર્ટસમાં માત્ર નામપુરતા રહે છે. ભાજપના બે પુર્વ ધારાસભ્ય હજુય ઘરભાડુ ચૂકવતા નથી. ખંભાતના ભાજપના પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ અને રાધનપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરના ઘરભાડા ઘણાં વખતથી બાકી છે.
બંને ધારાસભ્યો વર્ષ ૨૦૧૨માં ચૂંટાયા હતાં. માર્ગ મકાન વિભાગે અનેક વાર પત્ર વ્યવહાર કર્યો છતાંય હજુ સુધી બંને ધારાસભ્યોએ નાણાં ભર્યા નથી. પૂર્વ મંત્રીને બંગલો ફાળવાયો છે તેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, સૌરભ પટેલ, ગણપત વસાવા, પ્રદિપસિંહ જાડેજા, જયેશ રાદડિયા, ઇશ્વર પટેલ, વાસણ આહિર,રમણ પાટકર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિભાવરીબેન દવે.HS