બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય
૭ર કલાકમાં ગુજરાતમાં વાતાવરણ પલ્ટાવાની સાથે વરસાદની શક્યતા
(પ્રતિનિધિ) અમદાવાદ, આગામી ૭ર કલાક પછી ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવશે બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમને કારણે રાજયમાં વરસાદી માહોલ સર્જાશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા દાદરા-નગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે તો ક્યાંક ભારે વરસાદની શક્યતાઓ છે બીજી તરફ ૧પ-૧૬ ઓક્ટોબર દરમિયાન દરિયો તોફાની બને તેવી શક્યતાઓ હોવાથી માછીમારોને દરિયો નહિ ખેડવા તંત્ર તરફથી ચેતવણી આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે
જે ૭ર કલાકમાં ગુજરાતને અસર કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત દેશભરમાં નૈઋત્યનું ચોમાસુ ભરપુર રહયુ છે. ગુજરાતમાં ૧૦૦ ટકા કરતા વધુ વરસાદ થયો છે. અમરેલી, જૂનાગઢ, રાજકોટ, કચ્છ, નવસારી સહિતના પંથકમાં મેઘરાજાની તોફાની બેટીંગ જાેવા મળી હતી. નદી-નાળા છલકાઈ જતા પૂર આવ્યા હતા. જેને કારણે ખેતીના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ હતુ હવે જયારે ચોમાસાને વિદાય લેવાની ગણતરીઓ ગણાઈ રહી છે ત્યારે ગુજરાતના માથે ફરીથી વરસાદનું સંકટ તોળાઈ રહયું છે.