બંગાળની ખાડીમાં વાવાઝોડુ ‘ગતિ’ ત્રાટકવાની સંભાવના
ગતિ ત્રાટકશે તો પણ તે એમ્ફાનથી ખુબ જ નબળુ રહેશે, તેનાંથી જાનમાલને નુકસાન થવાની સંભાવના પણ ઓછી
નવી દિલ્હી, પશ્ચિમ બંગાળ અને ઓડિશા રાજ્યને હજુ વિનાશક ચક્રાવાત એમ્ફાનની કળ વળી નથી ત્યાં બંગાળની ખાડીમાંથી ગતિ નામનું વાવાઝોડુ ત્રાટકવાની ભીતિ ભારતીય હવામાન વિભાગના સુત્રોએ વ્યક્ત કરી છે. તેની સાથે વિભાગે રાહતના સમાચાર આપતા જણાવ્યું હતું કે ગતિ ત્રાટકશે તો પણ તે એમ્ફાનથી ખુબ જ નબળુ ચક્રાવાત હશે. તેમજ તેનાંથી જાનમાલને નુકસાન થવાની સંભાવના પણ ખુબ જ ઓછી છે.
બંગાળની ખાડીમાં ફરીથી લો પ્રેશરની સ્થિતિ સર્જાઈ રહી છે. તેનું પ્રથમ ચરણ મ્યાનમારની પાસે જ તૈયાર થશે. નિમ્ન દબાણના કારણે વાવાઝોડાનું સ્વરૂપ વિકરાળ થવાની સંભાવના ખુબ જ ઓછી છે. તેમ છતાં તેના પ્રભાવથી ઓડિશામાં મુશળધાર વરસાદ થવાની સંભાવના છે. તેની સાથે તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને કેરળના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલાં લો પ્રેશરન કારણે દરિયાઈ ખાડી વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગે આગામી બે દિવસમાં ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદ થવાની ચેતવણી આપી છે. જેના અંતર્ગત વિભાગે ઓડિશાના અનેક જિલ્લાના માટે સોમવારથી ૧૦મી જૂન સુધી યલો ર્વોનિંગ અને અન્ય કેટલાક જિલ્લા માટે ૧૧મી જૂન સુધી ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે. આ ઉપરાંત કોલકત્તા અને દક્ષિણ બંગાળના કેટલાક જિલ્લાઓમાં રવિવારે બપોર પછી મધ્યમકક્ષાનો વરસાદ થયો હતો. જેનાથી લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી હતી. વરસાદના કારણે મહાનગરના નિચાણના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી આફતરૂપ બન્યા હતા.