બંગાળને હરાવીને સૌરાષ્ટ્રએ રણજી ટ્રોફી જીતી ઈતિહાસ સર્જ્યો

રાજકોટ, રણજી ટ્રોફી ફાઇનલમાં સૌરાષ્ટ્રની ટીમનો પ્રથમ વખત વિજય થયો છે. બંગાળ અને સૌરાષ્ટ્ર વચ્ચે ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રએ શાનદાર જીત મેળવી છે. પ્રથમ ઇનિંગમાં સૌરાષ્ટ્રની ટીમે ૧૦ વિકેટ ગુમાવી ૪૨૫ રન બનાવ્યા હતા. જેની સામે બંગાળની ટીમે ૧૦ વિકેટ ગુમાવી ૩૮૧ રન કર્યા હતા. પ્રથમ ઇનિંગમાં અર્પિત વસાવડાની સદી અને ચેતેશ્વર પૂજારા સહિત ૩ ખેલાડીઓની અર્ધ સદીથી સૌરાષ્ટ્રને જીત મળી છે. તો ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટની કેપ્ટનશિપ અંતર્ગત સૌરાષ્ટ્રની ટીમે આ જીત મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૮ વર્ષમાં સૌરાષ્ટ્રની ટીમ ચાર વખત ફાઇનલ સુધી પહોંચી હતી. સતત ત્રણવાર ફાઇનલમાં હાર બાદ આજે સૌરાષ્ટ્રની ટીમ ચોથી ફાઇનલ મેચમાં શાનદાર જીત મેળવી શકી હતી.
રણજી ટ્રોફીની ફાઇનલમાં સૌરાષ્ટ્રની જીત લગભગ નિશ્ચિત હતી. સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રણજી ટ્રોફી ફાઇનલનો આજે અંતિમ દિવસ હતો. ફાઇનલમાં પ્રથમ ઇનિંગમાં લીડના આધારે સૌરાષ્ટ્રનો વિજય નિશ્ચિત જ હતો. સૌરાષ્ટ્ર ટીમે પ્રથમ ઇનિંગમાં ૧૦ વિકેટ ગુમાવી ૪૨૫ રન બનાવ્યા હતા. તો બીજી તરફ, અર્પિત વસાવડાની સદી તેમજ ચેતેશ્વર પુજારા સહિત ૩ ખેલાડીઓની અર્ધ સદીથી સૌરાષ્ટ્રની જીત નિશ્ચિત જ હતી. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં આ મેચ રમાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી સૌરાષ્ટ્ર ટીમની જીત બાદ તેઓને શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ ભરતા સમયે હાજર રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટીમને અભિનંદન આપ્યા હતા.