બંગાળમાં કાર્યકર્તાઓની હત્યા અને હુમલાથી નારાજ BJPએ રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કાર્યકર્તાઓની હત્યા અને હુમલાથી નારાજ બીજેપીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી છે. બીજેપીનો આરોપ છે કે મમતા બેનર્જી સરકારમાં રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે કાબૂ બહાર થઈ ગયા છે.
નોંધનીય છે કે બિહારમાં જીત મેળવ્યા બાદ બીજેપીએ પોતાની તમામ તાકાત હવે પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે લગાવી દીધી છે. ગુરૂવારે બંગાળમાં પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષના કાફલા પર પથ્થરમારાની ઘટનાથી નારાજ બીજેપી હવે મમતા સરકાર પર આરોપ લગાવી રહી છે.
પશ્ચિમ બંગાળમાં વર્ષ 2021માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 294 સીટો છે. પશ્ચિમ બંગાળમાં બીજેપીની સ્થિતિ ગત ચૂંટણીમાં ઘણી ખરાબ રહી છે. ગત વિધાનસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો મમતા બેનર્જીની ટીએમસી (TMC)ને સૌથી વધુ 211 સીટ, કૉંગ્રસને 44, લેફ્ટને 26 અને બીજેપીને માત્ર 3 સીટો મળી હતી. બંગાળમાં સત્તા મેળવવા માટે 148 સીટો જીતવી જરૂરી છે.