બંગાળમાં કાશ્મીર કરતા ખરાબ સ્થિતિ, અર્ધ લશ્કરી દળો તૈનાત કરાયઃ ભાજપની ચૂંટણી પંચ સમક્ષ માગ
કલકત્તા, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા જ ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચેની રાજકીય દુશ્મનાવટ ચરમસીમાએ પહોંચી ચુકી છે.
રાજ્યમાં ભાજપના કાર્યકરો પર હુમલા થઈ રહ્યા છે ત્યારે ભાજપે હવે ચૂંટણી પંચને એક આવેદનપત્ર આપીને માંગણી કરી છે કે, રાજ્યની સ્થિતિ ચિંતાજનક છે અને બંગાળમાં જમ્મુ કાશ્મીર કરતા પણ ખરાબ હાલત છે.ભાજપે આવેદનપત્રમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના કાફલા પર હુમલાનો મુદ્દો ઉઠાવીને કહ્યુ છે કે, પોલીસ નિષ્પક્ષ નથી, પોલીસ ટીએમસી કાર્યકરની જેમ કામ કરી રહી છે.રાજ્ય સરકારના કર્મચારીઓ ટીએમસીને ખુલ્લુ સમર્થન આપવા માટે જાહેરમાં લોકોને કહી રહ્યા છે.આ સંજોગોમાં બંગાળમાં નિષ્પક્ષ ચૂંટણી થાય તેવી શક્યતા નથી.
ભાજપે માંગ કરી છે કે, ચૂંટણી પંચ રાજ્યમાં વહેલી તકે નિષ્પક્ષ ચૂંટણી કરાવે અને પશ્ચિમ બંગાળમાં વહેલી તકે આચાર સંહિતા લાગુ કરીને અર્ધ લશ્કરી બળોની તૈનાતી કરવામાં આવે.ભાજપની ફરિયાદ બાદ ચૂંટણી પંચના ડેપ્યુટી કમિશનર સુદીપ જૈન રાજ્યનો 17 ડિસેમ્બરે પ્રવાસ કરવાના છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જે પી નડ્ડાના કાફલા પર અને પશ્ચિમ બંગાળના ભાજપના પ્રભારી કૈલાશ વિજવર્ગીયના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો.