બંગાળ: જલપાઈગુડીમાં બીકાનેર એક્સપ્રેસ પાટા પરથી ખરી પડતાં 5નાં મોત
જલપાઈગુડી, બંગાળના જલપાઈગુડીમાં ગુરુવારે સાંજે 5 વાગ્યે મોટી ટ્રેન દુર્ઘટના ઘટી છે. બીકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ જલપાઈગુડીના ડોમોહાનીની નજીક આવેલા મોએનોગુડીમાં પાટા પરથી ઉતરી ગઈ છે. દુર્ઘટનામાં 5 લોકોના મોત નિપજ્યા છે. જલપાઈગુડીના DMએ આ અંગેની પુષ્ટિ કરી છે.
અનેક યાત્રિકો ડબ્બામાં ફસાયા હોવાની આશંકા છે, જેને રેસ્ક્યૂ કરવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. અત્યાર સુધી 40 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. અંધારાને કારણે બચાવ અભિયાનમાં મુશ્કેલી આવી રહી છે.
આ દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદીએ તાત્કાલિક બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી હતી. બીકાનેર એક્સપ્રેસ મંગળવારે રાત્રે રાજસ્થાનના બીકાનેરથી રવાના થઈ હતી. ગુરુવારે સવારે 5.44 વાગ્યે ટ્રેન પટના રેલવે સ્ટેશનથી ગુવાહાટી માટે રવાના થઈ હતી.