બંગાળ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફરી મમતા બેનરજીની ચારે બેઠકો પર જીત

કોલકાતા, પશ્ચિમ બંગાળની પેટા ચૂંટણીમાં ફરી એક વખત મમતા બેનરજીનો જાદુ ચાલી ગયો છે.
રાજ્યની ચાર વિધાનસબા બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા છે અને ચારે બેઠકો પર ટીએમસીએ કબ્જો જમાવ્યો છે. આમ હવે વિધાનસભામાં મમતા બેનરજીની પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા વધીને 217 થઈ ગઈ છે. જો ભાજપમાંથી ટીએમસીમાં આવનારા પાંચ ધારાસભ્યોને તેમાં જોડવામાં આવે તો આ આંકડો 222 પર પહોંચે છે.
વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીની પાર્ટી સામે ભાજપની કારમી હાર બાદ પશ્ચિમ બંગાળમાં ભાજપના દિવસો સારા નથી ચાલી રહ્યા. ભાજપના ઘણા નેતાઓ પણ ટીએમસીમાં જોડાયા છે અને પેટા ચૂંટણીના પરિણામોએ ભાજપને વધુ એક ફટકો માર્યો છે.
ટીએમસીના બે ઉમેદવાર તો એવા છે જે દોઢ લાખ કરતા વધારે મતોની સરસાઈથી જીત્યા છે. વિધાનસભાની ચૂંટણી બાદ બંગાળમાં મમતા બેનરજી સતત મજબૂત થઈ રહ્યા છે.