બંદૂક –તોપ નહીં પરંતુ જ્ઞાનરૂપી હથિયારથી કોરોના સામેની જંગમાં લડતા ડૉક્ટર્સ..
વિશ્વ વ્યાપી કોરોના મહામારી સામેની લડત કોઇ જંગથી ઓછી નથી. યુધ્ધ દરમિયાન એક સૈનિક પોતાન વતન પરસ્તી બતાવી વીરતાનો પરચો આપે છે… તેવું જ આજે કોરોનાના તબીબી યોદ્ધાઓ કરી રહ્યા છે.
સરહદ પર જંગના મેદાનમાં દુશમનને જોઇ શકાય છે. તેના પર પ્રહાર કરીને વિજય મેળવી શકાય. પરંતુ કોરોના નામનો દુશમન તો અદ્શ્ય છે. શરીરના કયા ખુણામાં છુપાઇને ઘર કરી ગયો તે જોઇ શકાતુ નથી. કયા વ્યક્તિમાં આ વાયરસની કેટલી સંવેદનશીલતા-ગંભીરતા છે તે નક્કી કરવું અધરુ બની રહે છે. આ તમામ પ્રતિકુળ પરિસ્થિતિ વચ્ચે સફેદ રંગમા પી.પી.ઇ. કીટમાં સજ્જ યોદ્ધા(ડૉક્ટર) અવિરત સેવા આપી રહ્યા છે. કોરોના સામેની જંગમાં પોતાનો જુસ્સો બતાવીને વાયરસને શરીરમાંથી હાંકી કાઢવા કાર્યરત છે.
વર્ષોથી ૧ જુલાઇના રોજ ડૉક્ટર દિવસ ઉજવવામાં આવે છે પરંતુ ૨૦૨૦નો આ ડૉક્ટર દિવસ ખરા અર્થમાં તબીબોને સમર્પિત છે. બંદુક કે તોપ નહીં પરંતુ જ્ઞાનરૂપી હથિયાર વડે કોરોના સામે લડત આપી રહેલા. કોરોનાથી ઝઝુમતા દર્દીઓને ગમે તે ભોગે બચાવવાની પ્રતિબધ્ધતા દાખવતા તમામ ડૉક્ટરને સમર્પિત છે આજનો આ ડૉક્ટર દિવસ.
એશિયાની સૌથી મોટી સિવિલ સંકુલની હોસ્પિટલના ડૉક્ટર આજે તમામ અન્ય ડૉક્ટર માટે પોતાનો સંદેશો પાઠવી રહ્યા છે. કોરોના સામેની જંગમાં સમર્પણ ભાવનાથી સેવા-સુશ્રુષા કરી પોતાની ફરજ અદા કરતા તમામ તબીબોને સિવિલના ડૉક્ટર અભિનંદન પાઠવી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં ખાસ ફરજ પરના અધિકારી ડૉ. એમ.એમ. પ્રભાકર કહે છે કે દર વર્ષે ડૉ. બી.સી. રોયની યાદમાં ડૉક્ટર દિવસ મનાવવામાં આવે છે. જે પશ્ચિમ બંગાળ રાજ્યના મુખ્યમંત્રી હતા. હાલ કોરોનાની મહામારી વચ્ચે તમામ ડૉક્ટર પોતાની ફરજ બજાવી રહ્યા છે. કોરોના સામેની લડતમાં ભાગ બનેલા તમામ તબીબો, નર્સીંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફને હું અભિનંદન પાઠવુ છું. સાથે સાથે કોરોના સંક્રમિત થઇને સાજા થઇને ફરીથી ડ્યુટી પર હાજર તમામ તબીબોના જુસ્સાને બિરદાવું છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ.જે.પી.મોદી કહે છે કે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના તમામ તબીબો,સ્ટાફ મિત્રોએ કોરોના સામેની જંગમાં સામેલ થઇ બહુમુલ્ય યોગદાન આપ્યુ છે. તેની સાથે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ હોવાનું ગૌરવ કાયમી પણે ટકાવી રાખ્યુ છે.જે માટે હું તમામ ડૉક્ટર અને સ્ટાફ મિત્રોનો આભાર માની આજના દિવસે અભિનંદન પાઠવુ છું.
સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ.શશાંક પંડ્યા કહે છે કે અમારી હોસ્પિટલના મેડીકલ પેરામેડિકલ સ્ટાફની દિવસ-રાત અથાગ મહેનત અને પરિશ્રમના કારણે મહદઅંશે કોરોનાથી પીડિત દર્દીઓને સાજા કરી શક્યા છીએ. કોરોના મહામારીમાં ડૉકટર્સએ પોતાના જીવ પોતાના પરિવાર ની ચિંતા કર્યા વગર સહર્ષ પોતાની ફરજ બજાવી છે તેમનું આ યોગદાન હરહંમેશ યાદ રહેશે.આજનો ડૉક્ટર દિવસ આ તમામ કોરોનાયોદ્ધાને સમર્પિત છે.
સિવિલ હોસ્પિટલમાં ખાસ ફરજ પરના અધિકારી ડૉક્ટર મૈત્રેય ગજ્જર કહે છે કે સિવિલના કાર્યરત તબીબો અને પેરામેડિકલ સ્ટાફ કોરોનાગ્રસ્તને ગમે તે ભોગે બચાવવાની પ્રતિબધ્ધતા દાખવી છે.સારવાર દરમિયાન પોતે પણ કોરોના પોઝીટીવ થવા છતાં સાજા થઇ ફરીથી ફરજ પર લાગીને દર્દીઓની દરકાર કરીને જે સહર્ષ સેવાઓ આપી છે તે સરાહનીય છે.
એડીશનલ એમ.એસ. ડૉક્ટર રજનીશ પટેલ કહે છે કે છેલ્લા ૨ મહિનાથી સિવિલ હોસ્પિટલની ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં કાર્યરત છીએ. અહીં આવતા તમામ દર્દીઓ સાજા થઇને જ ઘરે પાછા ફરે તે જોમ અને જુસ્સા સાથે અમે અમારી ફરજ બજાવી રહ્યા છીએ. જેના પરિણામ સ્વરૂપ ઘણાં બધા દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થઇ ઘરે પરત ફર્યા છે જે અમારા માટે આશીર્વાદ રૂપ બની રહે છે. આજે ડૉક્ટર દિવસે હું અમારા તમામ તબીબો,સ્ટાફ મિત્રો, રેસીડેન્ડ તબીબોને અભિનંદન પાઠવું છું.
એડીશનલ એમ.એસ. ડૉક્ટર રાકેશ જોષી કહે છે છે ડોક્ટર બન્યાની સમગ્ર કારકિર્દી દરમ્યાનનો કોવિડ હોસ્પિટલમાં સેવાનો અનુભવ અકલ્પનીય અને અદ્વિતીય રહ્યો છે. આવી મહામારી ક્યારેય જોઇ નથી. ૨૦૨૦ના વર્ષનો ડૉક્ટર દિવસ અમારા માટે હરહંમેશ યાદગાર રહેશે… કોરોનાની મહામારી વચ્ચેનો આ દિવસ હું તમામ કોરોના યોદ્ધાઓને સમર્પિત કરૂ છું. છેલ્લા બે મહિનામાં કોરોનાની મહામારી વચ્ચે અકલ્પનીય દ્રશ્યો સામે આવ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીને સારવાર માટે પોતાના સગાથી દૂર રહેવું પડે છે ત્યારે અમારા તબીબો, અન્ય સ્ટાફ મિત્રો દર્દીને તેમના સગા સાથે વિડિયો કોલ કરાવીને રૂબરૂ કરાવી અનોખી સુશ્રુષા કરી રહ્યા છે. આગામી સમયમાં ગમે તેવી પ્રતિકુળ પરિસ્થિતિમાં અમારા તમામ સ્ટાફ મિત્રો હાલની જેમ જ એકજૂથ થઇને લડત આપશે તેનો મને વિશ્વાસ છે.
૧૨૦૦ બેડ ડેડિકેટ હોસ્પિટલના કોવિડ નોડલ ઓફિસર ડૉ. કાર્તિકેય પરમાર કહે છે કે ફક્ત ગુજરાત રાજ્યના જ નહીં પરંતુ દેશ-વિદેશના ઘણા દર્દીઓ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા. હોસ્પિટલની સેવા-સુશ્રુષા સાથે તેઓ હાંશકારો અનુભવી કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે. કોરોનાને મ્હાત આપી જ્યારે દર્દી સ્વગૃહે પરત ફરે છે ત્યારે લાગણીસભર સ્વરે અને ભીની પલકો સાથે અમને જે આશીર્વાદ આપે છે તેનો અમને અનેરો આનંદ છે.
કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં સંલ્ગન તમામ ડૉક્ટરમાં નવી શક્તિનો સંચાર થયો છે અને કોરોના મહામારીએ તબીબોનો આત્મવિશ્વાસ મજબૂત કર્યો છે. અમારા તમામ રેસીડેન્ટ ડોક્ટર કે જેઓ અભ્યાસના પ્રથમ વર્ષમાં જ હોય તે છતાં પણ કોરોના સામની જંગમાં અમારા સહકારમાં ડગલે ને પગલે જુસ્સા સાથે કાર્યરત રહ્યા છે તેમને હું બિરદાવું છું. તમામ કોરોનાયોદ્ધાને હું એક જ સંદેશ આપુ છું કે કોરોના થી ચિંતા કરવાની જરૂર નથી પરંતુ એખ યોદ્ધા બનીને તેને પડકારવાની જરૂર છે.
જી.સી.આર.આઇ.ના હેડ ઓફ માઇક્રોબાયોલોજી ડૉ. પારિજાત ગોસ્વામી કહે છે કે ડૉક્ટર તરીકે મારી કારકિર્દીને ત્રણ દાયકા વીતી ગયા પરંતુ કોરોના મહામારી જેવી ગંભીર બિમારી આજદિન સુધી જોઇ નથી. કોરોનાગ્રસ્ત દર્દીની પાસે તેનું કોઇ સંબંધી રહી શકતુ નથી ત્યારે દર્દીને એકલાયુ-કંટાળાજનક લાવા લાગે તે સ્વાભાવિક છે ત્યારે અમારા તબીબો દ્વારા મ્યુઝિકલ થેરાપી વડે દર્દીને હુંફ આપવામાં આવે છે જે અલગ પ્રકારની ખાસ સેવા છે. જે બદલ હું આજે ડૉક્ટર દિવસે દર્દીને હુંફ આપીને મનૌસ્થિત મજબુત કરવા મદદરૂપ બની રહેલા તમામ ડૉક્ટરને અભિનંદન આપુ છું.સાથે સાથે રાજ્યના જ નહીં પરંતુ રાષ્ટ્રના તમામ કોરોના યોદ્ધાના જુસ્સાને સલામ કરૂ છું.
સિવિલની ૧૨૦૦ બેડ હોસ્પિટલના ડૉક્ટર મોક્ષેશ કહે છે છેલ્લા ત્રણ મહિનાથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા સુશ્રુષા કરી રહ્યા છે અને તેના પરિણામ સ્વરૂપ ઘણા બધા દર્દીઓ હસતા મુખે પોતાના ઘરે પરત ફર્યા છે જેનો અમને આનંદ છે. દેશ પર આવી પડેલી આપદા સામે સૌ ડૉક્ટરો એકજૂથ થઇને લડ્યા તે બદલ હું રાજ્યની સાથે સમગ્ર દેશના તબીબોને ડૉક્ટર દિવસે અભિનંદન પાઠવું છું. In The need of our..be a warrior..throw away your fear.
આર.એમ.ઓ. ડૉ. સંજય કાપડીયા કહે છે કે કોરોનાની મહામારીમાં અમે સૌ તબીબો જુસ્સા સાથે અમારી ફરજ બજાવી રહ્યા છીએ.તબીબી ડિગ્રી મળતી વખતે લેવાતી હિપોક્રેટીક સપથમાં અમને તમામ દર્દી એકસમાન છે અને ગમે તે ભોગે સારવાર અર્થે આવેલા દર્દીનો જીવ બચાવવો તે સમજાવવામાં આવે છે જેની દિમાગ-દિલમા રાખીને જ અમારા સૌ ડૉક્ટર મિત્રો કોરોના મહામારીમાં ફરજ બજાવી છે.આજે આ તમામ તબીબોને ડૉક્ટર દિવસની શુભકામનાઓ.
રેસીડેન્ટ તબીબ સુવિકા કહે છે કે, કોરોનાની મહામારી એક અંધારી રાત સમાન હતી.. જેમાંથી હવે આપણે ધીમે ધીમે અજવાળા તરફ જઇ રહ્યા છીએ… આનો શ્રેય તમામ તબીબો, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફને જ જાય છે… હું આજે ડૉક્ટર દિવસે તમામ તબીબોને એ જ સંદેશો આપવા માગું છું કે આપણે સૌ નવઉત્સાહ સાથે દરરોજ કોરોના સામે લડત આપી જલ્દીથી હકારાત્મક પરિણામ મેળવીએ…..