બંધન બેંકની સફળ કામગીરીનાં પાંચ વર્ષ પૂર્ણઃ તબક્કાવાર રીતે વધુને વધુ મજબૂત
કોલકાતા, બંધન બેંક ભારતની નવરચિત બેંકો પૈકીની એક છે, જે સમાજના બેંકની સુવિધાથી વંચિત અને બેંકિંગની ઓછી સુવિધા ધરાવતા વર્ગોની જરૂરિયાત પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બેંક 23 ઓગસ્ટ, 2020ના રોજ એની સફળ કામગીરીના પાંચ વર્ષ પૂર્ણ કરશે.
ભારતના ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં બોટમ-ઓફ-ધ-પિરામિડ એટલે અર્થતંત્રમાં તળિયે રહેલા ગરીબ સમુદાયની નાણાકીય જરૂરિયાતો પૂર્ણ કરતાં બંધન ગ્રૂપને જૂન, 2015માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ યુનિવર્સલ બેંક સ્થાપિત કરવાની મંજૂરી આપી હતી. આશરે બે દાયકાથી બંધન ગરીબોને સમયસર સૂક્ષ્મ ધિરાણની સુવિધા પૂરી પાડવા, પઠાણી વ્યાજ વસૂલતા શાહૂકારોની જાળમાંથી મુક્ત કરીને તેમના ઉત્થાન માટે સતત કામ કરે છે.
યુનિવર્સલ બેંકિંગ લાઇસન્સ સાથે સર્વસમાવેશકતાનો ઉદ્દેશ ધરાવતી બંધન બેંક મજબૂત અને રિટેલ બેંકિંગ ફ્રેન્ચાઇઝીમાં પરિવર્તિત થઈ રહી છે તથા એની રિટેલ ડિપોઝિટના વોલ્યુમમાં તબક્કાવાર રીતે વધારો થઈ રહ્યો છે. એનાથી બેંકના ગ્રાહકો વચ્ચે બચત કરવાની આદત વિકસી છે અને બેંકને ઋણધારકો માટે વ્યાજના દરમાં વધુ ઘટાડો કરવામાં મદદ પણ મળી છે.
બેંક બન્યા પછી બંધન બેંકે ભારતના 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિવિધ વિસ્તારોમાં એની પહોંચ વધારી છે તથા 4,559 બેંકિંગ આઉટલેટ અને 485 એટીએમ કાર્યરત કર્યા છે. બેંકનો 64 ટકા પોર્ટફોલિયો સૂક્ષ્મ ધિરાણનો છે અને આ ઉપરાંત બેંકે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો (MSMEs) લોન, ગોલ્ડ લોન અને એફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ (ઓક્ટોબર, 2019માં બેંક સાથે ગૃહ ફાઇનાન્સના વિલય દ્વારા) જેવા કેટલાંક નવા ઉત્પાદનો પ્રસ્તુત કર્યા છે.
આ પાંચ વર્ષોમાં બેંકે મોટી સંખ્યામાં રોજગારી પેદા કરી છે અને પાંચ વર્ષના ગાળામાં એના કર્મચારીઓની સંખ્યા આશરે 13,000થી વધીને આશરે 42,000 થઈ છે. બેંકે ઊભી કરેલી પ્રત્યક્ષ રોજગારી ઉપરાંત મોટી સંખ્યામાં પરોક્ષ રોજગારીનું સર્જન કરવામાં પણ મદદ કરી છે. બેંકના 1.12 કરોડ સૂક્ષ્મ ઋણધારકો ઓછામાં ઓછી એક વ્યક્તિને રોજગારી આપે છે એવું માનીએ તો એનાથી વધુ 1.12 કરોડ રોજગારીનું સર્જન સુનિશ્ચિત થયું છે.
બંધન બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી ચંદ્રશેખર ઘોષે કહ્યું હતું કે, “છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન બંધન બેંકે બેંકિંગની સુવિધાથી વંચિત અને બેંકિંગની ઓછી સુવિધા ધરાવતા લાખો ભારતીયો અને સૂક્ષ્મ ઉદ્યોગસાહસોને બેંકિંગની નિયમિત સેવાઓ પ્રદાન કરી છે. એનાથી તેમને નાણાકીય રીતે સ્વતંત્ર બનવામાં અને આત્મવિશ્વાસ કેળવવામાં મદદ મળી છે. હું બંધન બેંકમાં વિશ્વાસ મૂકનાર અમારા તમામ ગ્રાહકોનો હૃદયપૂર્વક આભાર માનું છું, જેમણે ધિરાણનો લાભ લેવાની સાથે તેમની બચત મૂકવા માટે અમારી પર ભરોસો કર્યો છે.”
બંધન બેંક આગળ જતાં આર્થિક મૂલ્ય અને રોજગારીના સર્જનના મહત્ત્વપૂર્ણ એન્જિન ભારતના MSMEsને આત્મનિર્ભર બનાવવા તથા સ્વનિર્ભર અને મજબૂત ભારતનું નિર્માણ કરવા કટિબદ્ધ છે. બેંક એના મોટી સંખ્યામાં સૂક્ષ્મ ઋણધારકોને લઘુ ઉદ્યોગસાહસિક બનીને વેલ્યુ ચેઇનમાં આગળ વધવા, તેમને ટ્રેડ લાઇસન્સ મેળવવામાં મદદરૂપ થવા તથા જીએસટી અને ટેક્ષ ફિલિંગના નિયમોનું પાલન કરવા જેવી પ્રક્રિયામાં પણ મદદરૂપ થશે, જેથી તેઓ ઔપચારિક રીતે MSMEs બની શકે અને આ ક્ષેત્ર માટે સરકારની નીતિઓનો લાભ મેળવી શકે.
બેંક માનવીય વિકાસના પાસાં વિશે પણ જાણકારી ધરાવે છે, જેમાં આર્થિક પ્રગતિની સાથે તાલમેળ જાળવવાની જરૂર છે. પોતાની સીએસઆર અમલીકરણ સંસ્થા બંધન-કોન્નાગર દ્વારા શિક્ષણ, સ્વાસ્થ્ય, આજીવિકા સર્જન અને નાણાકીય બાબતો વિશે જાગૃતિ લાવવા જેવા ક્ષેત્રોમાં વિવિધ અસરકારક પહેલો હાથ ધરી છે, જેથી લોકોના જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ મળી છે. આ સમાજ માટે ઉપયોગી પહેલોથી 12 રાજ્યો અને 12,900 ગામડાઓના 2.5 મિલિયનથી વધારે લાભાર્થીઓને લાભ થયો છે.
યુનિવર્સલ બેંક તરીકે છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન બંધન બેંકે એના મંત્ર આપ કા ભલા, સબ કી ભલાઈને ચરિતાર્થ કર્યો છે તથા ગ્રાહકો અને સમાજ સાથે મજબૂત જોડાણ ઊભું કરવા સતત કામ કરે છે. બેંક વિકાસની નવી સફર શરૂ કરવા સજ્જ હોવાથી એની મૂળભૂત અને વિવિધ ક્ષમતાનો લાભ લેવાની તથા વ્યાપક સ્તર પર એના ઉદ્દેશો પાર પાડવાની સારી સ્થિતિમાં છે.