બંધ ઘરમાંથી ફુલી ગયેલો મહિલાનો મૃતદેહ મળી આવ્યો
અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં એક મહિલાની ઘરમાંથી ફૂલી ગયેલી અને કાળી પડી ગયેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી ગઇ છે. આ મહિલાની હત્યા બેએક દિવસ પહેલા થઈ હોવાનું પોલીસ માની રહી છે. તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે રક્ષાબંધનના દિવસે છેલ્લે તેનો ભાઈ તેને મળ્યો હતો
અને બાદમાં તેની બહેનની હત્યા થઈ હોવાની જાણ થતા તેણે ફરિયાદ નોંધાવી છે. તો બીજીતરફ મૃતકના ભાઈએ તેના બનેવી સાથે તેની બહેનના ઝગડા થતા હોવાથી બનેવી સામે શંકા દાખવતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. જુહાપુરામાં રહેતા શબ્બીર શેખ હાલ રામોલ ખાતે નોકરી કરે છે. તેમની એક બહેન સૌકી ઉર્ફે મીરાનાં પહેલા લગ્ન રાકેશસિંઘ રાજપૂત સાથે કર્યા હતા.
જોકે રાકેશસિંઘનું આઠેક વર્ષ પહેલા હૃદયરોગના હુમલાથી મોત થતા સૌકી ઉર્ફે મીરાંએ બીજા લગ્ન કર્યા હતા. સૌકી ઉર્ફે મીરાએ છએક વર્ષ પહેલાં રામસ્વરૂપદાસજી સાધુ નામના વ્યક્તિ સાથે બીજા લગ્ન કર્યા હતા. બને વસ્ત્રાલ ખાતે રહેતા હતા. રામસ્વરૂપદાસજી કપડવંજ ખાતે પણ રહેતા અને ખેતી તથા સેવા પુજાનું કામ પણ કરતા હતા. ગુરુવારે સૌકી ઉર્ફે મીરાનાં ધર્મના ભાઈએ શબ્બીરને ફોન કર્યો કે તેના ઘરનો દરવાજો કોઈ ખોલતું નથી.
જેથી શબ્બીર ભાઈ ત્યાં પહોંચ્યા હતા. પણ ઘરની ચાવી ન હોવાથી ફર્નિચર બનાવનાર ને બોલાવી આ ચાવી મેળવી અને ઘર ખોલ્યું હતું. ઘર ખોલતા જ તીવ્ર વાસ આવવા લાગી બુમાબુમ કરતા સૌકી ઉર્ફે મીરા બહાર આવી ન હતી. બાદમાં રામસ્વરૂપદાસજી ને જાણ કરાઈ હતી. તેઓ પણ આવી પહોંચ્યા અને અંદર જોયું તો બેડ પર સૌકી ઉર્ફે મીરાની લાશ મળી હતી. ફૂલી ગયેલી અને કાળી પડી ગયેલી બહેનની લાશ જોતા જ શબ્બીરભાઈ ના પગ નીચેથી જમીન ખસી ગઈ કારણકે તેઓ છેલ્લે રક્ષાબંધનના દિવસે મળ્યા હતા અને બાદમાં કોઈ વાત નહોતી થઈ અને અચાનક જ બહેનની હત્યા થયેલી લાશ મળી આવી હતી. SSS