બંધ પડેલા પીવાના પાણીના ATM સેન્ટર શરૂ કરાયા
(પ્રતિનિધિ) ભરૂચ, નર્મદા નદીના કિનારે અને ઉનાળાની કારઝાળ ગરમી વચ્ચે ભરૂચ શહેરમાં લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે.ત્યારે ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે મૂકવામાં આવેલા પાણીના એટીએમ વોટર કુલર બંધ અવસ્થામાં હોવાના કારણે લોકોએ પીવાનું પાણી ખરીદવું પડતું હતું.
તો કોન્ટ્રાક્ટરને વારંવાર પાણીના એટીએમ શરૂ કરવા માટે રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરતાં ભરૂચ નગરપાલિકાએ સતત ત્રીજી વખત લીગલ નોટિસ ફટકારી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
ભરૂચ શહેરના નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલા રેલ્વે સ્ટેશન,પાંચબત્તી સર્કલ, મહમદપુરા, સીફા રોડ,કોર્ટ રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં ૧૨ પાણીના વોટર એટીએમ સેન્ટરો મૂકવામાં આવ્યા હતા.પરંતુ આ તમામ એટીએમ સેન્ટરો મૂંગામંતર હોવાના કારણે લોકોને પીવાના પાણી માટે વલખા મારવા નો વાળો આવ્યો હતો
અને ભરઉનાળે પીવાનું પાણી શહેરીજનોએ ખરીદવાની ફરજ પડી હતી.સમગ્ર અહેવાલ મીડિયામાં પ્રકાશિત થતાં જ ભરૂચ નગરપાલિકા તંત્ર દોડતું થયું હતું અને ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં રહેલા પાણીના એટીએમ સેન્ટરોનો વિડીયો કરી તાળા તોડી ભરૂચ નગરપાલિકાએ પોતાના ખર્ચે શહેરીજનો માટે પીવાના પાણીની સવલત કરી હતી.
પાણીના એટીએમ સેન્ટરોની મરામત ન કરાવનાર અને દેખરેખ ન રાખનાર કોન્ટ્રાક્ટરને સતત ત્રીજી વખત લીગલ નોટિસ ફટકારી છે અને આગામી દિવસોમાં આ તમામ મશીનનો કોન્ટ્રાક્ટને પરત કરી રૂપિયાની રિકવરી કરી વિવિધ વિસ્તારોમાં પાણીની પરબો ઉભી કરવામાં આવનાર હોવાની માહિતી સાંપડી રહી છે.
હાલ તો ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં બંધ પડેલા પાણીના એટીએમ સેન્ટરો શરૂ કરવામાં આવતા લોકોમાં રાહત અને ભિક્ષુકોમાં ખાસ કરીને રાહત જાેવા મળી હતી.