બકરા ચરાવવા ગયેલી ત્રણ માસુમ બાળકીઓના કુવામાં પડી જતા મોત
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા)(પ્રતિનિધિ)ગોધરા, ઘોઘંબા તાલુકાના સીમલીયા નજીક પીપળીયા ગામની સીમમાં બકરા ચરાવવા ગયેલી ત્રણ બાળકીઓ પાણી પીવા માટે એક ખેતરમાં આવેલ પાણીના ઊંડા કોયારીમાં પહોંચી હતી.
જ્યાં એક બાળકી કૂવામાં પડી જતા તેને બચાવવા જતા અન્ય બે બાળકીઓ પણ કૂવામાં પડતા ત્રણે બાળકીઓના મોત નિપજ્યા હતા. દામાવાવ પોલીસને બનાવની જાણ થતાં પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આજે સવારે તમામ બાળકીઓના મૃતદેહોને ઘોઘંબા રેફરલ હોસ્પિટલમાં લાવી પીએમ કરાવવાની તજવીજ હાથ ધરાઈ છે.
ઘોઘંબા તાલુકાના સીમલીયા પાસે આવેલા પીપળીયા ગામમાં કરૂણાતીકા સર્જાઇ છે. ઘરેથી બકરા ચરાવવા સીમમાં ગયેલી ત્રણ બાળકીઓના એકસાથે કરુણ મોત નિપજ્યા છે. ત્રણ પરિવારોએ ૦૫ વર્ષની કીર્તિ વનરાજભાઈ બારીઆ, ૧૦ વર્ષની સરસ્વતી અજબભાઈ બારીઆ અને ૧૨ વર્ષની લલિતા છગનભાઈ બારીઆને ગત સાંજે બકરા ચરાવવા ગામની સીમ તરફના વિસ્તારમાં મોકલી હતી.
બાળકીઓને પાણીની તરસ લાગતા એક બાળકી ત્યાં નજીકમાં આવેલા જામલાભાઈ ચંદ્રાભાઈ બારીઆના ખેતરના કાચા કૂવામાં નીચા નમી પાણી પીવા જતા તે કોયારીમાં લપસી પડી હતી. તેને બચાવવા જતા અન્ય બે બાળકીઓ પણ કોયારીના પાણીમાં પડી હતી. જેને લઈ પાણીમાં ડૂબી જતાં ત્રણેય બાળકીઓના મોત નિપજ્યા હતા.
સાંજે બકરા ચરાવી બાળકીઓ ઘરે પરત નહીં ફરતા પરિવારના બાળકો સીમ તરફ જોવા માટે ગયા હતા. જ્યાં બાળકીઓ ખેતરના કાચા કોયારીમાં પડેલી જોવા મળતા પરિવારજનોને જાણ થઈ હતી. પરિવારજનોની બેદરકારીનો ભોગ ત્રણ માસૂમ બાળકીઓ બની જતા દામાવાવ પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણેય બાળકીઓના મૃતદેહને આજે સવારે ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.