Western Times News

Gujarati News

બકરી ચરાવવા ગયેલી સગીરાને ગેંગરેપ બાદ ભઠ્ઠીમાં ફેંકી: ૭ મહિનામાં જ કોર્ટે બે નરાધમોને ફાંસીની સજા આપી

ભીલવાડા, રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના કોટડી ભઠ્ઠી કાંડમાં કોર્ટે દોષી ઠેરવેલા કાલુ અને કાન્હાને ફાંસીની સજા ફટકારી છે. બન્ને અપરાધીઓએ બકરી ચરાવતી એક સગીરા પર ગેંગરેપ કર્યો હતો. બાદમાં તેને કોલસાની સળગતી ભઠ્ઠીમાં ફેંકી દીધી હતી જેને કારણે સગીરાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં રાજસ્થાનના ભીલવાડાના કોટડી વિસ્તારમાં સગીરા બકરી ચરાવી રહી હતી. તે સમયે બન્ને અપરાધીઓએ તેના પર રેપ કર્યો હતો. બાદમાં સળગતી ભઠ્ઠીમાં તેને ફેંકી દીધી હતી. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સગીરા જ્યારે બકરી ચરાવવા ગઈ પછી ઘરે પરત ના ફરી તેને કારણે પરિવારજનો અને ગામના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી.

સગીરાનો મૃતદેહ ભઠ્ઠીમાં સળગેલી અવસ્થામાં મળી આવ્યો હતો. સગીરાના શરીરના અમુક જ અંગો બચ્યા હતા. આ ઘટનાને કારણે સમગ્ર જિલ્લામાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ માટે અપરાધીઓને પકડવા બહુ મુશ્કેલીભર્યું હતું.

જો કે, ડોક સ્કવોડ અને મોબાઈલ ઓપેરશન બ્યુરો (એમઓબી)ની મદદથી અંતે અપરાધીઓને પકડી લેવામાં આવ્યા હતા. સ્થાનિક પોક્સો કોર્ટે આ કેસમાં સાત મહિનાની અંદર જ ચુકાદો આપી દીધો અને બન્ને અપરાધીઓને દોષી ઠેરવીને ફાંસીની સજા ફટકારી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.